શિક્ષકે કલાસરૂમ બહાર બેસાડતા ધો.6ના છાત્રએ બીજા માળેથી છલાંગ લગાવી
રાજયમા શાળાઓમા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના અવાર નવાર સામે આવી છે . જેનાં પગલે શિક્ષકો વિરુધ્ધ પગલા લેવામા આવે છે . ત્યારે મહેસાણા જિલ્લાના કડીમાં આવેલી હોલી ફેમિલી સ્કૂલમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના ધોરણ 6માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી છલાંગ લગાવી દેતા વાલીઓ અને સ્ટાફમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, ચાલુ કલાસે વિદ્યાર્થીને કોઈ કારણસર શિક્ષક દ્વારા ક્લાસરૂૂમની બહાર બેસાડવામાં આવ્યો હતો.
તે પછી તરત જ વિદ્યાર્થીએ અચાનક બીજા માળેથી છલાંગ લગાવી હતી. ત્યારબાદ તેમને શાળાનો સ્ટાફ દ્વારા તુરંત હોસ્પીટલે સારવાર માટે ખસેડયો હતો.
જોકે, સદનસીબે તે બચી ગયો હતો, પરંતુ તેને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે શાળા સંચાલકોનું નિવેદન પણ સામે આવ્યું છે. શાળા સંચાલકે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને ઈજા થતાં તેને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીએ આત્મઘાતી પગલું શા માટે ભર્યું તે અંગે તેમને કોઈ જાણ નથી. શિક્ષકે બહાર બેસાડ્યા પછી વિદ્યાર્થીએ કેમ છલાંગ લગાવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના બે દીવસ પહેલાની હોવા છતા અત્યાર સુધી શિક્ષક વિરુધ્ધ કોઇ પગલા લેવામા નહી આવ્યાનુ જાણવા મળી રહયુ છે.