બગોદરા નજીક 60 વર્ષ જુનો નાનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયો
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર વાહનચાલકોને મોટા પુલ પર ડાયવર્ટ કરાયા: ધીમી ગતિએ ચલાવવા સૂચના
બગોદરા - અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરા નજીક 60 વર્ષ જુનો નાનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયો છે. વાહન ચાલકોને મોટા પુલ પર ડાયવર્ટ કરાયા છે અને વાહનનો ધીમી ગતિએ ચલાવવા અનુરોધ કરાયો છે.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે નંબર 47 પર આવેલા બગોદરા નજીક ભોગાવો નદી પરનો 60 વર્ષ જૂનો નાનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ સેવાઇ રહી હતી. જેને કારણે તંત્ર દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી અનેક જગ્યાએથી પોપડા ખરી રહ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે. આ જોખમી સ્થિતિને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
બગોદરા પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને સુરતની પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરીને બગોદરા ટોલટેક્સ નજીક હાઈવે પર ડાયવર્ઝન માટે બેરિકેડ્સ ગોઠવી દીધા છે. વાહન ચાલકોને મોટા પુલ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વાહન ચાલકોને મોટા પુલ પર ધીમી ગતિએ વાહન ચલાવવા અને પુલ પર વાહન ઊભા ન રાખવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન હાઈવેના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. વાહનચાલકોને સહકાર આપવા અને સલામતીના નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.