પોરબંદરના બોરીચા ગામે 3 માસનો માસૂમ તાપણામાં પડી જતાં દાઝ્યો
પોરબંદરના બોરીચા ગામે રહેતાં પરિવારના ત્રણ મહિનાના માસુમને અન્ય બાળકો રમાડવા લઈ ગયા હતાં તે દરમિયાન ત્રણ માસનો માસુમ રમતા રમતા તાપણામાં પડી જતાં દાઝી ગયો હતો. માસુમને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પોરબંદરનાં બોરીચા ગામે રહેતાં નિલેશભાઈ કોડીયાતરના ત્રણ માસના પુત્ર ઋત્વીકને અન્ય બાળકો રમવા માટે લઈ ગયા હતાં તે દરમિયાન રૂત્વીક રમતા રમતા તાપણામાં પડી ગયો હતો. માસુમ બાળક ગંભીર રીતે દાઝી જતાં તાત્કાલીક સારવાર માટે પ્રથમ ભાણવડ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીમાં આવેલા ઈન્દીરાનગરમાં રહેતાં દિપક હરીભાઈ પરમાર નામનો 30 વર્ષનો યુવાન રાત્રીનાં સાડા આઠેક વાગ્યાના અરસામાં અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
