ખાંભાના પચપચિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો, માત્ર અવશેષો જ મળ્યા
અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. સિંહ, દીપડા જેવા ખૂંખાર પ્રાણીઓ માનવ વસાહતોમાં ઘૂસીને હાહાકાર મચાવી રહ્યા છે. ખાંભા તાલુકાના પચપચીયા ગામની સીમમાં ખેતરમાં એક દીપડાએ માત્ર 10 વર્ષના માસૂમ બાળકને 500 મીટર ઢસડીને ફાડી ખાધો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
બાળકનો પરિવાર ઝૂંપડામાં સૂતો હતો, ત્યારે દીપડો અંધારાનો ફાયદો ઉઠાવીને ઝૂંપડામાં ઘૂસી ગયો હતો અને બાળકને દબોચી લઈને બાવળની ઝાડીમાં ખેંચી ગયો હતો અને શિકાર કર્યો હતો. દરમિયાન પરિવારજનોને બાળકના માત્ર હાથ-પગ સહિતના અવશેષો હાથ લાગ્યા હતા. જેને પીએમ માટે ખસેડાયા હતા. વન વિભાગને આ બનાવની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી જઈ સર્ચ ઓપરેશન ચલાવીને દીપડાને પકડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
ખાંભાના તાલુકાના પચપચીયા ગામની સિમમાં એક પરિવાર ઝૂંપડાઓમાં સૂતો હતો, જેમાં ઉના તાલુકાના સામતેર ગામનો 10 વર્ષનો બાળક મયુર જીતુભાઇ સોરઠીયા પરિવાર વચ્ચે સૂતો હતો. દરમિયાન દીપડો લપાતો છીપાતો આવી બાળકને ઢસડી 500 મીટર દૂર બાવળની ઝાડીઓ સુધી લઈ જઈ શિકાર કર્યો હતો. દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ દીપડો નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ ખાંભા રેન્જ વનવિભાગને થતાં વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકના શરીરના હાથ, પગ સહિત કેટલાક અવશેષોનો મૃતદેહ મળતાં ખાંભા હોસ્પિટલમાં પી.એમ.માટે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક ખેડૂતો સિમ વિસ્તારમાં દીપડાએ બાળકનો શિકાર કરવાની ઘટનાને લઈ ફફડાટ સાથે ભયનો માહોલ છવાયો છે.
દીપડાએ બાળક ઉપર હુમલો કર્યા બાદ બાળકનું મોત થતા ધારી ગીર પૂર્વ ઉઈઋ રાજદીપ સિંહ ઝાલા દ્વારા ખાંભા તુલસીશ્યામ રેન્જને દીપડાને પકડવા માટે સૂચના આપતા હાલ વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે લોકેશન લેવા માટેની કવાયત હાથ ધરી છે અને અલગ અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે.