પોલીસ કસ્ટડીમાં છ વર્ષમાં 95 આરોપીના મોત: ગુજરાત ટોચના ક્રમાંકે
માનવ અધિકારોનું મોટા પાયે ઉલ્લંઘન અને સત્તાના દુરુપયોગમાં રાચતી ભાજપ સરકાર કસ્ટોડિયલ ડેથ માટે જવાબદારનો કોંગ્રેસનો આક્ષેપ
ગુજરાતમાં ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન અને સત્તાના દુરઉપયોગમાં રાચતી ભાજપ સરકારમાં કસ્ટોડીયલ ડેથ અંગે ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગાંધી- સરદારના ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. સભ્ય સમાજ- (સિવિલ સોસાયટી) એ કાયદાના શાસન (RULE OF LAW)થી ચાલે છે. પરતું ભાજપ સરકારમાં થતા કસ્ટોડીયલ ડેથ એ AN ABUSE OF POWERની ચાડી ખાય છે. તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે એક કસ્ટોડીયલ ડેથની ઘટના પણ તપાસ માંગી લે છે. છેલ્લાં છ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 95 આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં ટોચના ક્રમાકે છે.
નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગેની સબ સલામતની પોલ ખોલી નાખી છે. ગુજરાતમાં વર્ષ 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12, વર્ષ 2021-22માં 24 અને વર્ષ 2022-23 માં 15 કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ 2019-20માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ 2021-22માં 24 ઘટના સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો હતો. સમગ્ર દેશમાં 2017 થી 2023 સુધીના છ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં લગભગ 700 થી વધુ લોકોના મોત થયા છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણોને કારણે આરોપીઓનાં મોત થયા છે. ગુજરાતમાં સતત ‘માનવ અધિકારોનું મોટાપાયે ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ પરિસ્થિતિ પોલીસ કસ્ટડીમાં રહેલા લોકોની સલામતિ અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશના બંધારણે દરેક નાગરિકને જીવન અને ન્યાયનો અધિકાર આપ્યો છે.
પરંતુ આજે કસ્ટોડિયલ ડેથ આપણા તંત્ર પર સૌથી ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. મોટાભાગના ગરીબ, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના આરોપીઓને સૌથી વધુ ત્રાસ, અમાનવિયતા અને યાતના સહન કરવી પડે છે.પોલીસ યુનિફોર્મની આડમાં થતું આ અત્યાચાર માત્ર કાયદાનો ભંગ નથી .આ માનવ અધિકારોનું ક્રૂર મર્દન છે. સરકાર કેટલીય વાત કરે પરંતુ હકીકત એ છે કે કસ્ટોડિયલ ટોર્ચર એક સંસ્થાગત બીમારી બની ગયું છે. જવાબદારી નક્કી કરવાની જગ્યાએ સરકાર દોષિતોને બચાવે છે.
માર્યા ગયેલા લોકોનો એક કોમન ફેક્ટર ગરીબી અને સામાજિક પછાતપણું. આવા બનાવો દેશના કાયદા-વ્યવસ્થાની નહીં, સરકારની નૈતિક દિવાળિયાપણાની સાક્ષી છે. નાગરિકને સુરક્ષા આપવાનું કાર્ય કરતી પોલીસ જો જીવ લેવાનું સાધન બની જાય તો એ સરકારની નિષ્ફળતા છે, સિસ્ટમની નહીં. કાયદો યુનિફોર્મ પહેરનારનો નથી, દેશના દરેક નાગરિકનો છે અને જ્યાં ન્યાય મરે, ત્યાં લોકશાહી શરમાશે. કોંગ્રેસ પક્ષની માંગ સ્પષ્ટ છે કે, દરેક કસ્ટોડિયલ ડેથની સ્વતંત્ર ન્યાયિક તપાસ કરવામાં આવે. ગરીબ, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના શંકાસ્પદ મોત પર ફાસ્ટ-ટ્રેક કોર્ટ. પોલીસ રિફોર્મ્સ, 20 વર્ષથી સરકાર શા માટે અટકાવી રહી છે? જવાબદાર અધિકારીઓ પર કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.