For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી, મીઠાઇ એસો.નો ઘટસ્ફોટ

01:39 PM Sep 03, 2025 IST | Bhumika
ગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી  મીઠાઇ એસો નો ઘટસ્ફોટ

મીઠાઇ અને ફરસાણ એસોસીએશનની પ્રથમ કારોબારી બેઠકમાં જ ચોંકાવનારો ખૂલાસો, નફાની લાલચમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા

Advertisement

પનીર અને ઘીના ભેળસેળિયાઓને પાસામાં પુરવા અને કડક કાયદા બનાવવા માંગણી

ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિયેશનની ડાકોર ખાતે યોજાયેલી પ્રથમ કારોબારી બેઠકમાં ચેરમેન કિશોરભાઈ શેઠે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે એક ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું કે ગુજરાતમાં મળતું 92% પનીર નકલી હોય છે. તેમણે વેપારીઓને ઊંચા નફા છતાં લાલચમાં ન આવવાની અપીલ કરી હતી સાથે જ, તેમણે સરકાર સમક્ષ ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા અને ઘી તથા પનીરમાં ભેળસેળ કરનારાઓ પર PASA હેઠળ પગલાં ભરવાની માંગ કરી.
ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિયેશનની પ્રથમ કારોબારી બેઠક ડાકોર ખાતે યોજાઈ હતી, જેમાં એસોસિયેશનના ચેરમેન કિશોરભાઈ શેઠે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અંગે સખત શબ્દોમાં વાત કરી. તેમણે સ્ટેજ પરથી જણાવ્યું કે, ગુજરાતમાં આવતું 92% પનીર ડુપ્લીકેટ હોય છે. તેમણે ખાસ કરીને અમદાવાદની હોટલોનો ઉલ્લેખ કર્યો, જ્યાં લોકો ઉત્સાહપૂર્વક પનીરનું સેવન કરે છે, અને ગ્રાહકોને આવા પનીરથી દૂર રહેવાની વિનંતી કરી હતી.

Advertisement

ચેરમેન શેઠે મીઠાઈ અને ફરસાણના વેપારીઓને પણ અપીલ કરી. તેમણે કહ્યું કે આ ઉદ્યોગમાં 35 થી 40% જેટલો સારો નફો મળતો હોવા છતાં, અમુક વેપારીઓ માત્ર લાલચને કારણે ભેળસેળ કરતા હોય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મીઠાઈ-ફરસાણના વેપારીઓ કોઈ દુ:ખી નથી, પરંતુ કંઈક અંશે તેમને વધુ નફાની લાલચ જાગે છે. આ પ્રકારની ભેળસેળ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે. તેમણે તહેવારો દરમિયાન રસ્તા પર લાગતી નાની હાટડીઓ પર પણ નજર રાખવા જણાવ્યું, જે ગ્રાહકોના સ્વાસ્થ્યને ગંભીર રીતે જોખમમાં મૂકે છે.
કિશોરભાઈ શેઠે સરકાર સમક્ષ ખાદ્ય પદાર્થોમાં વધતા જતા ડુપ્લિકેશનને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે જો કોઈ ખાદ્ય પદાર્થનો નમૂનો નિષ્ફળ જાય, તો માત્ર દુકાનદારને નહીં, પરંતુ મુખ્ય વેપારી અથવા સપ્લાયરને દંડિત કરવા જોઈએ, જેથી મૂળ સમસ્યાને અટકાવી શકાય. તેમણે અગાઉ પણ આ અંગે સરકારમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું.

અંતમા તેમણે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી કે ઘી અને પનીર જેવા મુખ્ય ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કે ડુપ્લિકેશન કરતા કોઈ પણ વ્યક્તિ ઝડપાય તો તેના પર માત્ર દંડ નહીં, પરંતુ કડક કાર્યવાહી કરીને PASA હેઠળ કાયદેસરના પગલાં ભરવા જોઈએ, જેથી આવા ગંભીર ગુનાઓને રોકી શકાય.

ભેળસેળિયા તત્વો સામે સરકારનો પનો ટૂંકો પડે છે?
ગુજરાતમાં નકલી પનીરનો ધમધોકાર વેપલો ચાલી રહ્યો છે. હોટેલ-રેસ્ટોરન્ટમાં પનીરનું ચલણ ખુબ વધ્યું હોવાથી નકલી પનીરના ગોરખધંધા બેફામ ફૂલ્યા ફાલ્યા છે. સરકાર પાસે એટલી સક્ષમ મશીનરી કે, સ્ટાફ જ નથી કે, નકલી પનીરના કાળા કારોબાર ઉપર લગામ નાશી શકે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રમાં ટાંચા સાધનો અને હંગામી કર્મચારીઓથી ગાડુ ગબડાવાઇ રહ્યુ છે. તેમાંય રાજ્યભરના મેડિકલ સ્ટોર આ વિભાગ નીચે આવતા હોવાથી ખોરાકમાં થતી ભેળસેળ સામે આ વિભાગનો પનો ટૂંકો પડી રહ્યો છે. ખોરાકમાં થતી ભેળસેળના મામલે સરકારનું દુર્લક્ષ્ય અને નબળા કાયદા જવાબદાર માનવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement