ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નવ લોકોના મોત, મૃતકઆંક વધે તેવી શક્યતા
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વાહનવ્યવહાર માટે મહત્વનો ગણાતો વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો પાદરા તાલુકાના મુજપુર પાસેનો મહિસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. બ્રીજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી.
મૃતકોની યાદી જાહેર
1. વૈદિકા રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
2. નૈતિક રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
3. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ઉં. વ.- , ગામ-મજાતણ
4. રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.૩૨, ગામ-દરિયાપુરા
5. વખતસિંહ મનુસિંહ જાદવ, ઉં. વ. , ગામ-કાન્હવા
6. પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.૨૬, ગામ-ઉંડેલ
7. અજાણ્યા ઇસમ
8. અજાણ્યા ઇસમ
9. અજાણ્યા ઇસમ
મહિસાગર નદી પર બનેલો પુલ તૂટી પડ્યો છે. આ પુલ 1985માં બનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનિકલ નિષ્ણાતોને ઘટનાસ્થળે મોકલીને તપાસ સોંપી છે.
મુખ્યમંત્રીએ નિષ્ણાતોની ટીમને તપાસનો આદેશ આપ્યો છે
ઘટનાની ગંભીરતાને જોતા, મુખ્યમંત્રીએ ટેકનિકલ નિષ્ણાતોની ટીમને ઘટનાસ્થળે મોકલીને તપાસનો આદેશ આપ્યો છે. અકસ્માત પછી તરત જ અધિકારીઓ સક્રિય થઈ ગયા અને નદીમાં પડી ગયેલા વાહનોને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું. ઉપરાંત, તરવૈયાઓએ મૃતદેહો બહાર કાઢવાનું શરૂ કર્યું.
આ ઘટના ફરી એકવાર જૂના અને નબળા માળખા પર પ્રશ્નો ઉભા કરે છે. જો સમયસર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હોત અને નવા પુલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હોત, તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. હવે જોવાનું એ રહે છે કે તપાસ રિપોર્ટમાં શું બહાર આવે છે અને દોષિતો સામે શું કાર્યવાહી થાય છે.
ચેતવણી પછી પણ પુલ પર અવરજવર બંધ ન થઈ.
તમને જણાવી દઈએ કે આ પુલ ૧૯૮૧ માં બનાવવામાં આવ્યો હતો અને ૧૯૮૫ માં ખુલ્યો હતો, પરંતુ સમય જતાં તેની હાલત ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી. સ્થાનિક ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ આ પુલ વિશે પહેલાથી જ ચેતવણી આપી હતી અને નવા પુલની માંગણી કરી હતી. તેમ છતાં, પુલ પર વાહનોની અવરજવર બંધ થઈ ન હતી. હવે સરકારે ૨૧૨ કરોડ રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવવાની મંજૂરી આપી છે અને આ માટે સર્વે પણ કરવામાં આવ્યો છે.