સુરેન્દ્રનગરમાં ચાર મકાનમાંથી 9.23 લાખની ચોરી
જિલ્લામાં ચોટીલા તથા સુરેન્દ્રનગરના ચાર મકાનને તસ્કરોએ નિશાન બનાવી ખાતર પાડયુ છે. જેમાં બે શિક્ષક, 1 નિવૃત શિક્ષક સહિત 4 ઘરોમાંથી રૂૂ. 9.23 લાખના સોના-ચાંદીના ઘરેણા અને રોકડ ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ચોટીલાની અમીધારા સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ જેરામભાઈ સરવૈયા રતનપર ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જન્માષ્ટમીના તહેવારોની રજા હોઈ તા.25ના રોજ તેઓ પરીવાર સાથે સાસરે વિરમગામ ગયા હતા. તા. 27ના પડોશીએ ફોન કરી ઘરના તાળા તુટેલા અને ચોરી થયાની જાણ કરતા તેઓ આવ્યા હતા. અને તપાસ કરતા 4,500 રોકડા, સોના-ચાંદી ઘરેણાં સહિત રૂૂ. 15 હજારની મત્તાની ચોરી થઈ હતી. જયારે તેમના ઘર પાસે રહેતા નિવૃત શિક્ષક સોમાભાઈ ગોવિંદભાઈ કુકડીયા તેમના પત્નીનું મોતીયાનું ઓપરેશન કરાવવા બહારગામ ગયા હતા. ત્યારે તેમના ઘરે પણ તસ્કરો રૂૂ. 2 હજારની મત્તા લઈ ગયા છે. આ ઉપરાંત સામેની શિવશકિત સોસાયટીમાં રહેતા આકાશભાઈ દશરથભાઈ પરમારના ઘરેથી 25 હજારની મત્તા ચોરાઈ હતી.
તપાસ એ.જે.જાદવ ચલાવી રહ્યા છે.સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજ પાછળ બાપા સીતારામની મઢુલી પાસે રહેતા પરેશ અરજણભાઈ ગુર્જર દસાડાના સેડલા ગામે પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
ગત તા. 27મી ઓગસ્ટના રોજ તેમના ઘરે મહેમાન આવેલા હતા. અને સોમનાથ પાર્કમાં રહેતા તેમના સાળા હર્ષદ પ્રભુભાઈ સદાદીયાના ઘરે જમવાનું હતુ. આથી તેઓ ઘરને લોક કરીને સાંજના ત્યાં ગયા હતા. રાતના આશરે દોઢથી પોણા બે કલાકના સમયે તેઓ ઘરે આવતા ઘરનુ તાળુ તુટેલુ હતુ. અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત હતો. જયારે કબાટમાં તપાસ કરતા સોનાની બંગડી, ચેન, મંગળસુત્ર, વીંટી, ત્રણ જોડ બુટ્ટી, કડી, સાંકળી, પરચુરણ ચાંદીના ઘરેણા અને રોકડા રૂૂ. 5 હજાર સહિત રૂ. 8,81,000ની મત્તા ચોરાઈ હતી. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ આર.એમ.સંગાડા ચલાવી રહ્યા છે.