ધોરણ-10માં 865396, ધો-12 સાયન્સમાં 109780 અને સા.પ્ર.માં 400449 ફોર્મ ભરાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વિકારવાની મુદ્દત પુર્ણ થયા બાદ લેઈટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વિકારવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ છે ત્યારે અત્યાર સુધીમાં બોર્ડની પરીક્ષા માટે 13.75 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગામી દિવસોમાં વધુ ફોર્મ ભરાયા બાદ સંખ્યામાં વધારો થશે.
ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સના ફોર્મ 22 ડિસેમ્બર સુધી સ્વિકારાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહના 24 ડિસેમ્બર સુધી સ્વિકારવામાં આવશે. બોર્ડની પરીક્ષા માટે અત્યાર સુધી કુલ 1375625 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. જેમાં ધોરણ-10ની પરીક્ષા માટે 865396 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે 400449 વિદ્યાર્થીઓના ફોર્મ સ્વિકારવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ-12 સાયન્સમાં 109780 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે.
જોકે, ગત પરીક્ષાની સરખામણીમાં હજુ આ વખતે 163328 જેટલા ફોર્મ ઓછા ભરાયા છે, પરંતુ હજુ ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી હોવાથી આગામી દિવસોમાં વધુ સંખ્યામાં ફોર્મ ભરાયા બાદ આંકડો વધશે. ધોરણ-10માં ગત પરીક્ષા કરતા અત્યાર સુધીમાં 52291 જેટલા ઓછા ફોર્મ ભરાયા છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ગત પરીક્ષા કરતા આ વખતે અત્યાર સુધીમાં 88830 જેટલા ફોર્મ ઓછા ભરાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં ગત પરીક્ષા કરતા અત્યાર સુધીમાં 22207 જેટલા ફોર્મ ઓછા ભરાયા છે.