ઉનાળામાં ગુજરાતના પ્રવાસન સ્થળોમાં 86 લાખ લોકો ઊમટ્યા
અંબાજી મંદિરે 18.6 લાખ, દ્વારકા જગત મંદિરે 16.3, સોમનાથ મંદિરે 14.88 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન કરી પુણ્યનું ભાથુ બાંધ્યું
ઉનાળુ વેકેશન પડતાં જ લોકો વિવિધ પ્રવાસન સ્થળોએ ઉમટી પડે છે. આ વર્ષે પણ ગયા વર્ષની જેમ ગુજરાતભરના અલગ અલગ પ્રવાસન સ્થળોએ લોકોએ પરિવાર સાથે સમય ગાળ્યો હતો. આ વર્ષે એપ્રિલ અને મે 2024 દરમિયાન કુલ 11 પ્રવાસન સ્થળોમાં 86 લાખ જેટલા પ્રવાસીઓએ નોંધાયા છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રવાસીઓ અંબાજી મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડયા હતાં.
બીજા નંબરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ મંદિરે પ્રવાસીઓ ઉમટી પડયા હતાં. ત્રીજા નંબરે સૌરાષ્ટ્રમાં આવેલ પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ મહાદેવના મંદિરનો નંબર આવે છે.આ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન એપ્રિલ મહિનામાં કુલ 38,37,629 લોકોએ ગુજરાત રાજ્યના અલગ અલગ પ્રવાસન સ્થળ જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદનો અટલ બ્રિજ, રિવર ફ્રન્ટ પાર્ક, કાકડીયા તળાવ, પાવાગઢ મંદિર, અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ગીર સફારી અને વડનગર સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.
મે મહિના દરમિયાન 48,39,845 લોકોએ ઉપર મુજબના સ્થળોની મુલાકાત કરી હતી.ગુજરાતભરના પ્રવાસન સ્થળોમાં સૌથી વધુ અંબાજી મંદિરે દર્શનાર્થીઓ નોંધાયા હતાં.અંબાજી મંદિર એપ્રિલ મહિનામાં 9.47 લાખ દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતાં. મે મહિનામાં 9.27 લાખ લોકોએ દર્શનનો લ્હાવો લીધો હતો.દ્વારકાધીશ મંદિરે એપ્રિલ મહિના દરમિયાન 5.27 લાખ શ્રધ્ધાળુઓ આવ્યા હતાં અને મે મહિના દરમિયાન 11.03 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા હતાં.
લોકોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી રિવર ફ્રન્ટ, વડનગર, સાયન્સ સિટી કરતાં અંબાજી, દ્વારકા, સોમનાથ દર્શનશમાં વધારે રસ
ઉનાળુ વેકેશન દરમિયાન લોકોએ સરકારી ખર્ચે બનાવવામાં આવેલા પ્રવાસન સ્થળ કરતાં ધાર્મિક સ્થળોએ પ્રવાસ કરવાનું વધુ પસંદ કર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થાન વડનગરમાં માંડ એપ્રિલ મે મહિના દરમિયાન 76 હજાર જેટલા પ્રવાસીઓ નોંધાયા હતાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 4.42 લાખ , રિવર ફ્રન્ટ પાર્ક ખાતે 54 હજાર પ્રવાસીઓ નોંધાયા હતાં. જ્યારે અંબાજી મંદિર ખાતે 18.75 લાખ, દ્વારકાધીશ જગત મંદિર ખાતે 16.03 લાખ અને સોમનાથ ખાતે 14.88 લાખ પ્રવાસીઓ નોંધાયા હતાં.
અમદાવાદ મેટ્રો પણ પ્રવાસન સ્થળની યાદીમાં !
સરકારી આંકડામાં અમદાવાદ મેટ્રોને પણ પ્રવાસન સ્થળ તરીકે ગણાવાયું હતું અને તેમાં મુસાફરી કરતાં લોકોની સંખ્યાને પણ પ્રવાસીઓની સંખ્યા તરીકે ગણાવાય છે. અમદાવાદ મેટ્રોમાં એપ્રિલ -24માં 23.06 લાખ અને મે-2024માં 25.47 લાખ લોકોએ પ્રવાસ કર્યો હતો.