ધુળેટીના તહેવાર નિમિત્તે રાજકોટ સહિત રાજ્યમાંથી 820 એકસ્ટ્રા એસ.ટી. બસ દોડશે
ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં રોજગારી માટે અન્ય જિલ્લામાંથી આવેલા શ્રમીકો વતનમાં જઇ શકે તે માટે એસ.ટી. દ્વારા વધારાની બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાંથી પણ 50 થી વધારે એકસ્ટ્રા એસ.ટી. બસો આવતીકાલથી દોડાવવામાં આવશે. સૌથી વધારે દક્ષિણ અને મધ્ય ગુજરાત તરફ દોડાવવાનું આયોજન કરાયું છે.
આગામી દિવસોમાં આવી રહેલા હોળી-ધૂળેટીના પર્વમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતનની વાટ પકડતા હોય છે. ખાસ કરીને દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, પંચમહાલ જતાં મુસાફરોની સંખ્યા વધુ હોય છે. જેના પરિણામે દર વર્ષે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે પણ અમદાવાદથી 820 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.હકીકતમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હોળી-ધૂળેટીના તહેવારના ધ્યાનમાં રાખીને આગામી 9 માર્ચ થી 13 માર્ચ, 2025 એમ 5 દિવસ દરમિયાન ડાકોર, દાહોદ, ઝાલોદ, ફતેપુરા, બારીયા અને છોટા ઉદેપુર જતાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન, બોપલ સ્થિત વકીલ બ્રિજ અને ઓઢવ રિંગ રોડ પરથી 820 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, પંચમહાલ જેવા જિલ્લામાંથી અનેક લોકો નોકરી અને વેપાર-ધંધા માટે અમદાવાદમાં આવીને વસ્યા છે. જેઓ હોળી-ધૂળેટીના તહેવાર માટે ખાસ પોતાના વતન જતા હોય છે.