ચોટીલાના મોટા કાંધાસરમાં 80 વર્ષના વૃધ્ધ તાપણામાં પડી જતાં દાઝ્યા
ચોટીલા તાલુકાના મોટાકાંધાસર ગામે રહેતાં 80 વર્ષના વૃધ્ધ અકસ્માતે તાપણામાં પડી જતાં દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાઝી ગયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ચોટીલાના મોટાકાંધાસર ગામે રહેતાં સાંમતભાઈ વિરજીભાઈ મકવાણા નામના 80 વર્ષના વૃધ્ધ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં તાપણું કરી તાપતા હતાં તે દરમિયાન અકસ્માતે તાપણામાં પડી જતાં દાઝી ગયા હતાં. વૃધ્ધનું તાત્કાલીક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. વૃધ્ધને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના બંધીયા ગામે રહેતી હંસાબેન અશ્ર્વિનભાઈ રાઠોડ નામની 38 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીનાં અરસામાં કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.