મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના 8થી 10 મંત્રીઓ આવશે!
આવતીકાલે નવા મંત્રીઓની શપથવિધિ સમારોહ છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી રિવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા તેમજ જયેશ રાદડિયાના નામો સૌથી આગળ
આવતીકાલે ગુજરાતના નવા મંત્રી મંડળનું વિસ્તરણ બાદ નવા મંત્રીઓની શપથવિધી સમારોહ મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે ત્યારે સૌરાષ્ટ્રનાં રાજકીય વર્તુળમાં સૌરાષ્ટ્રમાંથી કોણ નવા મંત્રી બનશે તેની ભારે અટકળો ચાલી રહી છે. નવા મંત્રીઓમાં અનેક નામ લેવામાં આવી રહ્યાં છે. પરંતુ મોવડી મંડળ કોના પર પસંદગી કરે છે તે 24 કલાકમાં સામે આવી જશે. જયાં સુધી સૌરાષ્ટ્રનાં સવાલ છે ત્યાં સુધી સૌથી પહેલું નામ જયેશ રાદડિયાનું આવે છે, વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ તમામ મંત્રી મંડળના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતાં.
જેમાં જયેશ રાદડિયા પણ સામેલ હતાં. પરંતુ હવે જયેશ રાદડિયાનું નામ ફાઈનલ ગણવામાં આવે છે. બલ્કે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે પણ તેનું નામ ફાઈનલ કર્યું હોવાની ચર્ચા જાગી રહી છે. તો બીજી બાજુ રાઘવજી પટેલની નાદુરસ્ત તબિયત તેમજ વધતી જતી ઉંમરને કારણે તે રાજીનામું આપે તેવી શકયતા છે, જો તે રાજીનામું આપે છે તો તેમના સ્થાને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાને નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.
જો રીવાબા જાડેજાને મંત્રી મંડળમાં સમાવવામાં આવે તો તેઓ વર્તમાન સરકારમાં બીજા મહિલા મંત્રી બનશે.
હાલ ભાનુબેન બાબરીયા એકમાત્ર મહિલા મંત્રી તરીકે ગુજરાત સરકારમાં કાર્યરત છે.
બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાનું નામ પણ ફાીનલ ગણવામાં આવે છે. અર્જુનભાઈ ભાજપમાં એ શરતે જ આવ્ક્ષા હતાં કે તેમને મંત્રીપદ આપવામાં આવે જો તેમને મંત્રીપદ આપવામાં આવે તો પોરબંદર માટે સારા સમાચાર બની રહેશે, કારણ કે પોરબંદરનાં સાંસદ મનસુખભાઈ માંડવિયા પણ નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી છે અને હવે ધારાસભ્ય પણ મંત્રી બનશે.ભાવનગરમાં વડાપ્રધાનના રોડ શો બાદ જીતુભાઈ વાઘાણીને પણ નવા મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. તેઓ આ પહેલા પણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રહી ચુકયા છે.
રાજકોટની વાત કરીએ તો ઘણા સમયથી ઉદય કાનગડ અને ડો.દર્શિતા શાહના નામની પણ ચર્ચા ચાલી રહી છે. પરંતુ હાલ ભાનુબેન બાબરીયા રાજકોટમાંથી કેબીનેટ મંત્રી છે. ત્યારે એક જ શહેરમાંથી બે મંત્રી બનવાની કે હોવાની શકયતા નહીવત છે. જો ભાનુબેન બાબરીયા રાજીનામું આપે તો સંઘની પ્રથમ પસંદગી ડો.દર્શિતા શાહ હશે. જ્યારે ઉદય કાનગડે પણ પોતાનું લોબીંગ કર્યું છે. ત્યારે તેમનું નામ સામે આવે છે કે નહીં તે જોવાનું રહે છે.
અમરેલી જિલ્લાની વાત કરીએ તો કૌશીક વેકરીયા પણ મુખ્યમંત્રીનું ગુડ લુક માટે હતાં પરંતુ લેટરકાંડ બાદ તેનું પત્તું કપાય ગયું છે હવે જો અમરેલી જિલ્લામાંથી કોઈને મંત્રીપદ આપવામાં આવે તો તે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાને મળી શકે છે. તેઓ પણ ભુપેન્દ્ર પટેલ તેમજ અમીત શાહના વફાદાર સૈનિકોમાં ગણાય છે. હવે જોવાનું એ રહે છે કે સૌરાષ્ટ્રમાંથી કોન બાજી મારી જાય છે.
સૌરાષ્ટ્રને ગૃહ, શિક્ષણ કે આરોગ્ય મંત્રી મળી શકે
મંત્રી મંડળના વિસ્તરણને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. કોના પત્તા કપાશે અને કોને તક મળશે તેની અટકળો ચાલી રહી છે. ત્યારે આ મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રને વધુ પ્રતિનિધત્વ મળે તેવી શકયતા સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રનાં 8 થી 10 મંત્રીઓ નવા મંત્રી મંડળમાં હોઈ શકે છે. રાજકીય તજજ્ઞો માને છે કે સોૈરાષ્ટ્રમાંથી જે નવા ચહેરા પસંદ થશે તેમને ગૃહમંત્રી, શિક્ષણમંત્રી કે આરોગ્યમંત્રીમાંથી કોઈ એક ખાતું મળવાની પ્રબળ સંભાવના છે.