ભારતી આશ્રમના મહાદેવ ભારતીને શોધવા 8 ટીમો કામે લગાડાઇ, ડ્રોનનો પણ ઉપયોગ
240 પોલીસ, 30 વન કર્મી, SDRFના 40 જવાનો દ્વારા સર્ચઓપરેશન, 182.54 ચોરસ કિ.મી.માં પથરાયેલું છે જંગલ
ભારતી આશ્રમના મહાદેવ ભારતીની પોલીસે શોધખોળ કરી શરૂ, જંગલ વિસ્તારમાં પોલીસે 8 ટીમ બનાવી શોધખોળ કરી રહી છે. જેમાં 240 પોલીસકર્મી, 30 વનકર્મી અને SDRF ટીમના 40 જવાનો પણ સર્ચમાં જોડાયા છે અને જટાશંકર પાસેથી સર્ચ ઓપરેશન શરૂૂ કરાયું છે, છેલ્લા 3 દિવસથી મહાદેવ ભારતી બાપુ ગુમ છે. લઘુ મહંતને શોધવા માટે પોલીસ-ફોરેસ્ટની ટીમો પગપાળા સર્ચ ઓપરેશન કરનાર છે. પરંતુ તે કઠીન સાબિત થઈ શકે તેમ છે. કારણ કે, ગિરનારનો વિસ્તાર 182.54 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે.
જે વિસ્તારમાં 100થી વધુ સિંહ-દીપડાનો વસવાટ છે. સાથે અન્ય જંગલી પ્રાણીઓ પણ વસે છે. તેવા ગાઢ જંગલમાં સર્ચ ઓપરેશન કરવું કઠીન સાબિત થશે. આખીયે પર્વતમાળામાં 13 જેટલી તો ગુફાઓ આવેલી ચર, જેમાં અમુક ગુફાઓતો ખુબ જ અંતરિયાળ વિસ્તારમાં છે. સાંજ ઢળતા જ્યાં સિંહ-દીપડાની અવર-જવર સામાન્ય હોય છે. તેવા વિસ્તારમાં સર્ચ કરવામાં આવશે, આખાયે વિસ્તારમાં પ્રાણીઓના પીવાના પાણી માટેના કુદરતી 20 જેટલા અને કુત્રિમ 70 જેટલા પોઈન્ટ આવેલા છે. આવા કઠીન રસ્તે પોલીસનો કાફલો વનવિભાગની સાથે રહીને સર્ચ ઓપરેશન કરનાર છે.
જંગલ વિસ્તારમાં પોલીસ અને ફોરેસ્ટના 400 નો કાફલો પગપાળા સર્ચ ઓપરેશન કરવાનો છે, જેમાં અમુક અંતરિયાળ વિસ્તારમાં પહોંચી ના શકાય તેવા વિસ્તારોમાં ડ્રોન મારફત પણ સર્ચ કરવાનો વિચાર છે, સાથે અમુક સ્થળે ડોગ સ્કવોર્ડની પણ મદદ લેવાઈ શકે છે, ગઈકાલે ડોગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું તો, માત્ર પ્રેરણાધામથી આગળ ડોગ વધ્યો જ ના હતો. જેથી તેની મદદ ઉપર સવાલ છે, કેસફળતા મળે છે કે કેમ.
ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું કે, લઘુમહંત મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુને શોધવા માટે પ્રથમ બે દિવસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને તેમના મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરવામાં આવી અને સાથે ડોગ સ્કવોર્ડની મદદ પણ લેવામાં આવી હતી, છતાં બાપુની કોઈ ભાળ મળી નથી, અત્યાર સુધીના જોવાયેલા સીસીટીવી ફૂટેજમાં બાપુ ભવનાથમાંથી બહાર નીકળતા હોય તેવા એકપણ ફૂટેજ સામે આવ્યા નથી.