ઉનાના વાંસોજ ગામે શાળામાં પોપડાં પડતા 8 છાત્રો ઘવાયા
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું અંતરિયાળ વાંસોજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં બપોરના સમયે શાળાની લોબીમાં બાળકો પ્રાર્થના બોલી રહ્યા હતા અને અચાનક ઉપરથી પોપડા પડતા આઠ જેટલા બાળકો ધવાયા હતા.
શાળાના મોટા ભાગના બાળકો ત્યાં પ્રાર્થના બોલી રહ્યા હતા, ત્યાં જ પોપડા પડતા સરકારી શિક્ષણની પોલ ખુલી ગઈ છે. કેમ કે આ ઘટનામાં 8 જેટલા બાળકો ઘાયલ થયા છે, જેમાંથી બે ત્રણ વિદ્યાર્થીઓ તો એ હદે ઘાયલ થયા કે માથાના ભાગે ટાંકા લેવા પડ્યા તો અન્ય કેટલાક વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જોકે સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ ટેલીફોનીક વાતમાં કહ્યું કે તેઓ દરરોજ તે જગ્યાએ પ્રાર્થના બોલાવતા હોય છે અને કોઈ જ પ્રકારનું જર્જરિત ન હતું તો બીજી તરફ શાળામાં રીનોવેશનની કામગીરી પણ ચાલુ હતી, તેમ છતાં ઘટના કુદરતી રીતે બની હોવાનું રટણ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે.
જોકે આચાર્યના જણાવ્યા મુજબ શાળામાં રીનોવેશન ચાલુ હતું તો રીનોવેશન શા માટે કરવામાં આવી રહ્યું હતું?. શાળા જર્જરિત ન હતી તો શાળામાં રીનોવેશન કરવા માટેની મંજૂરી કોની દ્વારા આપવામાં આવી? અને જો શાળા જર્જરિત હતી તો શા માટે બાળકોને અન્ય જગ્યાએ પ્રાર્થના બોલાવવામાં ન આવી? આવા અનેક સવાલો હાલ શાળાના શિક્ષકો અને શિક્ષણ વિભાગ સામે ઉઠી રહ્યા છે તો બીજી તરફ શાળાના શિક્ષકોના મતે હાલ લગ્નની સીઝન હોય નજીકમાં લગ્ન પ્રસંગ સંદર્ભે ડીજે વાગતું હોવાના કારણે પોપડા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે.
પરંતુ સવાલ અહીં એ થાય છે, લગ્ન પ્રસંગની સીઝન તો ઘણા દિવસોથી ચાલુ છે અને ગામમાં અનેક લગ્ન પ્રસંગ યોજાયા હોવા છતાં ત્યારે કેમ ઘટના ન બની કે પછી શિક્ષકો અને શિક્ષણ વિભાગ પોતાનો લુલો બચાવ કરી રહ્યા છે.