માંગરોળમાં દરિયો તોફાની બનતા 8 ખલાસી ડુબ્યા: એક વ્યક્તિનું મોત
વરસાદ સાથે પવનની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને માછીમારોને સાવચેત કરવા માંગરોળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા વરસાદ બાદની સ્થિતિને પહોંચી વળવા માટે કેશાદમાં એન. ડી. આર.એફ. અને જૂનાગઢમાં એક એસ.ડી.આર.એફ.ની ટીમ તૈનાત રાખવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે પવનની આગાહી કરવામાં આવી છે. ત્યારે દરિયામાંથી એક બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર દરિયો ખેડવા ગયેલા માછીમારો બોટમાં ફરી રહ્યા હતા. ત્યારે દરિયો તોફાનો બન્યો હતો. આ દરમિયાન બોટનું એન્જિન બંધ થઈ જતાં ભર દરિયે બોટ એકાએક બંધ થઈ ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. બોટમાં 8 માછીમારો સવાર હતા, જેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકોની શોધખોળ શરુ કરવામાં આવી છે ને એક માછીમારનું મોત નિપજ્યું છે.
ઘટનાની જાણ થતાં ડે. કલેક્ટર સહિત અધિકારીઓનો કાફલો અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એનડીઆરએફ ટીમ અને સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ શરુ કરી દેવામાં આવી છે.