ગુજરાતની 8 ખાનગી યુનિવર્સિટી UGC દ્વારા ડિફોલ્ટ જાહેર
કોર્સ, ફેકલ્ટી, રિસર્ચ, ફી સહિતની બાબતો અપલોડ ન કરતા આકરી કાર્યવાહી, તાત્કાલિક નિયમોનું પાલન કરવા સુચના
ગુજરાત મિરર, અમદાવાદ તા. 30
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા રાજ્યની 8 સહિત સમગ્ર દેશની 54 ખાનગી યુનિવર્સિટીઓને ડિફોલ્ટર્સ જાહેર કરી છે. કોર્સ, ફેકલ્ટ, રિસર્ચ, ફી સહિતની વિગતો માટે વારંવાર નોટીસો આપવા છતાં યુનિવર્સિટીઓ દ્વારા વિગતો આપવામાં આળસ કરી હોવાનું સામે આવતા કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે.
UGC દ્વારા યુનિવર્સિટીઓને ડિફોલ્ટર્સ જાહેર કરવાની સાથે સુચના આપી છે કે, તાત્કાલિક અસરથી તમામ વિગતો સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવાની સાથે યુજીસીને મોકલી આપાવામાં આવે. જો, યુનિવર્સિટી દ્વારા વિગતો આપવામાં નહીં આવે તો કડક કાર્યવાહીની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
UGCએ વર્ષ-2024માં બહાર પાડેલી ગાઈડલાઈન મુજબ તમામ યુનિવર્સિટીઓએ પોતાની વેબસાઈટ પર કોર્સ, ફેકલ્ટી, રિસર્ચ, ઈન્ફાસ્ટ્રક્ચર, ફી, માધ્યમ તેમજ ફાયનાન્સ અને ગવર્નન્સ સાથે જોડાયેલી તમામ માહિતી અપલોડ કરવાની હોય છે. આ તમામ વિગતો વિદ્યાર્થી, વાલી સહિત તમામને સહેલાથી મળી શકે એ મુજબ મુકવાની સૂચના આપવામાં આવેલી છે. જેમાં કોઈ રજિસ્ટ્રેશન કે લોગઈનની પણ જરૂૂરિયાત રહે નહી, તેવા નિર્દેશ અપાયા હતા.
જોકે, આ નિયમ હોવા છતાં દેશની 54 ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીઓને UGC એક્ટ-1956ની કલમ 13 અંતર્ગત ઈન્સપેક્શનની જાણકારી માટે સહાયક ડોક્યુમેન્ટ્સ સાથે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને નિર્ધારીત સમયમાં જમા કરાવવાની સુચના આપી હતી. પરંતુ યુનિ. કોલેજો દ્વારા સુચનાનું પાલન કરવામાં આવ્યુ નહીં. જેથી UGC દ્વારા ગુજરાતની 8 સહિત દેશની 54 યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી છે. યુજીસીએ તમામ ડિફોલ્ટર યુનિવર્સિટીઓને તાત્કાલિક નિયમોનું પાલન કરવાની સુચના આપી છે.
કઈ યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર
1. ગાંધીનગર યુનિવર્સિટી, કલોલ
2. જે.જી. યુનિવર્સિટી, ઉવારસદ
3. કે એન. યુનિવર્સિટી, અમદાવાદ
4. એમ.કે. યુનિવર્સિટી, પાટણ
5. પ્લાસ્ટ ઈન્ડિયા ઈન્ટરનેશનલ યુનિવર્સિટી, વાપી
6. સુરેન્દ્રનગર યુનિવર્સિટી, વઢવાણ
7. ટીમ લીઝ સ્કિલ્સ યુનિવર્સિટી, વડોદરા
8. ટ્રાન્સ્ટેડિયા યુનિવર્સિટી, અમદાવાદ