અમદાવાદ અશ્વદળના પી.આઇ.ની બેદરકારીથી પોલીસના 8 અશ્ર્વનાં મોત
સમયસર અને યોગ્ય ખોરાક નહીં મળતા 28 અશ્ર્વો બિમાર: અશ્ર્વ પ્રેમી પોલીસ કમિશનર જી.એસ.મલીકે જાતે માઉન્ટેડમાં જઇ તપાસ કર્યા બાદ પી.આઇ સસ્પેન્ડ
અમદાવાદ પોલીસ વિભાગના અશ્ર્વદળના પીઆઇની બેદરકારીને કારણે 8 અશ્ર્વોના મોત થયા હતા. જ્યારે 28 અશ્ર્વો બિમાર પડતા આ બાબતે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલીકે જાતે જઇ માઉન્ટેડ પોલીસની વિઝીટ કરી બાદમાં ડીસીપીને તપાસ સોંપ્યા બાદ પી.આઇ.બારોટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીઆઇ બારોટ અશ્ર્વદળના અશ્ર્વોને સમયસર ખોરાક કે દવા આપતા નહીં અને બિમાર થાય તેવું પાણી અશ્ર્વોને અપાતું હોવાનું ખૂલ્યુ છે.
શાહીબાગ સ્થિત અશ્વદળના સંખ્યાબંધ ઘોડાની દેખભાળ કરવામાં આવી રહી છે. આ સ્થળે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ. બારોટની અક્ષમ્ય બેદરકારીને કારણે 8 ઘોડાનાં મોત થયા છે. અને 28 ઘોડા બીમાર છે. આ બાબત પોલીસ કમિશનરના ધ્યાને આવતાં તેમણે તાકીદે ઙઈં બારોટને સસ્પેન્ડ કરી દીધા છે. ઉપરાંત, બીમાર ઘોડાની સારી સારવાર થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અશ્વદળ જાણે કે પોલીસ તાબામા આવતું જ ન હોય તેવી રીતે બારોટ વહીવટ સંભાળતા હતા. આ કેમ્પમાં ચાલતી અન્ય ઓફિસોમાં અશિસ્ત હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે.
અશ્ર્વોની તકેદારી માટે પીઆઇ સહિતનો સ્ટાફ અને તેમને જોઈએ તેવી સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. આટલી સુવિધા હોવા છતાં ગત વર્ષે 3 ઘોડાના ભેદી મોત થયા હતા. સ્થાનિક અધિકારીઓએ આ વાત દબાવી દીધી હોવાનું પોલીસ ખાતામાં ચર્ચાઇ રહ્યું છે. આટલું ઓછું હોય તેમ અધિકારીની બેદરકારીથી ચાલુ વર્ષે પણ છ મહિનામાં બીજા પાંચ ઘોડાના મૃત્યુ થયા હતા. આ બાબતે જાણ થતાં પોલીસ કમિશનરે ખુદ અશ્ર્વદળની મુલાકાત લઈને માહિતી મેળવી હતી. સમગ્ર પ્રકરણની તપાસ ડીસીપી ઝોન-6 રવિ મોહન સૈનીને સોંપી હતી.
પશુના તબીબે વિઝિટ લઈને તપાસ કરતાં અશ્ર્વોને આપવામાં આવતો ઘાસચારો યોગ્ય નહોતો.
તેમજ પીવડાવવામાં આવતા પાણીમાં લીલ જોવા મળી હતી. તબીબની ટીમે તમામ ઘોડાની તપાસ કરતાં અન્ય 28 ઘોડાને પણ ઈન્ફેક્શન હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે ગત વર્ષે અને આ વર્ષે ઘોડાના મોત થયા હતા. આ અંગે શંકા જતા તપાસ કરાવવામાં આવી હતી. તપાસમાં પીઆઇની બેદરકારી સામે આવી હતી જેથી પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 28 ઘોડાને ઈન્ફેક્શન થયું હતું જો આ ઘોડાને સમયસર સારવાર ન મળી હોત તો કદાચ આ ઘોડાના પણ જીવ જઈ શકતા હતા.