મંજૂરીવાળી 8 પાર્ટી ચાલુ રહી, બે રાત્રે જ પોલીસે બંધ કરાવી
થર્ટી ફર્સ્ટની ડીજે પાર્ટીના આયોજન સ્થળે પોલીસનું ચેકિંગ, પાસ ખરીદી આવેલા લોકોએ પાર્ટી બંધ થતાં દેકારો મચાવ્યો
ટીઆરપી અગ્નિકાંડ બાદ મંજૂરીના નિયમોમાં પોલીસે કોઈપણ બાંધછોડ ન કરી
નવા વર્ષને વધાવવા માટે રાજકોટનું યુવાધન હિલોળે ચડ્યુ હતું ત્યારે રાજકોટની ગેમઝોનની ઘટના પછીની આ પ્રથમ થર્ટીફર્સ્ટમાં પોલીસે તકેદારી રાખી હતી અને મંજુરી વિનાની કોઈ પણ ડી.જે. પાર્ટી ચાલુ રાખવાવામાં નહીં આવે તેવી સુચના આપવામાં આવી હતી. પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ કર્યુ ઙતું. પોલીસને મળેલી 9 અરજીઓમાંથી 8 ને મંજુરી આપવામાં આવી હતી. પોલીસની મંજુરી વિના ચાલુ રહેલી બે ડી.જે પાર્ટી પોલીસે બંધ કરાવી દીધી હતી. પોલીસે ડી.જે. પાર્ટી બંધ કરાવતા પાસ ખરીદીને આવેલા લોકોએ આયોજકો ઉપર દેકારો મચાવ્યો હતો.
શહેરના અલગ અલગ પાર્ટી પ્લોટ તથા ક્લબમાં થર્ટીફર્સ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષને વધાવવા માટે આયોજકો દ્વારા ડાન્સ અને ડિનર સાથે ડી.જે. પાર્ટીના આયોજનો કર્યા હતાં. શહેરમાં વર્ષ 2024મા બનેલી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ પોલીસ કોઈ પણ બાંધછોડ વગર નિયમોનો કડક અમલ કરાવવા માટે મક્કમ રહી છે ત્યારે થર્ટીફર્સ્ટના આયોજનને લઈને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા મંજુરી વિના કોઈપણને આવી પાર્ટીઓના આયોજન નહીં કરવા સ્પષ્ટ સુચના આપી હતી. બીજી તરફ શહેરના અલગ અલગ સ્થળે યોજાતી થર્ટીફર્સ્ટની ડી.જે. પાર્ટી અંગે પોલીસે બનાવેલા નિયમો અને જરૂરી દસ્તાવેજો અને સ્થાનિક પોલીસના અભિપ્રાય બાદ મંજુરી આપવામાં આવી હતી. શહેરમાં અલગ અલગ 9 આયોજકોએ પોલીસને મંજુરી માટે અરજી કરી હતી.
જે અરજીની ચકાસણી અને ફાયર એનઓસી સહિતના જરૂરી દસ્તાવેજો ચકાસ્યા બાદ પોલીસે 8 આયોજકોને મોડી સાંજે મંજુરી આપી હતી. અને 1 આયોજક કે જેણે આઉટ ઓફ બોક્સમાં થર્ટીફર્સ્ટની પાર્ટીનું આયોજન કર્યુ હોય જેણે પીજીવીસીએલ તરફથી એનઓસી નહીં મળતા પોલીસે તે આયોજકની અરજી નામંજુર કરી હતી.
આ બાબતે પોલીસની અલગ અલગ ટીમોએ શહેરમાં મંજુરી વગરની ચાલતી ડી.જે. પાર્ટી અંગેનું ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં આઉટ ઓફ બોક્સને મંજુરી નહીં હોવા છતાં ત્યાં ડી.જે. પાર્ટી ચાલુ હોય જે પોલીસે બંધ કરાવી હતી. તેમજ કેસરિયા ગ્રુપ દ્વારા પણ પોલીસને મંજુરી માટે અરજી કર્યા વિના બારોબાર થર્ટીફસ્ટની પાર્ટીનું આયોજન કર્યુ હતું. તે પાર્ટી પણ પોલીસે બંધ કરાવી હતી ઉપરાંત રોયલ રજવાડી ગ્રુપના આયોજકો વિરુદ્ધ પોલીસે જાહેરનામાભંગનો ગુનો નોંધ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ની સુચનાથી ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ, ક્રાઈમ બાંચ્ર, એસઓજી, પીસીબી અને એલસીબીની અલગ અલગ ટીમોએ તપાસ કરી હતી. શહેરમાં અનેક સ્થળોએ થર્ટીફર્સ્ટની પાર્ટીઓના આયોજનની જાહેરાતો થઈ હતી. પરંતુ પોલીસે કડક પણે નિયમ વિરુદ્ધ આવી પાર્ટીીઓ શરૂ કરશે તો બંધ કરાવી દેવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું અને ચેકીંગ કરીને પોલીસે આવી બે પાર્ટીઓ રાત્રે જ બંધ કરાવી દીધી હતી. પોલીસની મંજુરી વિના ડી.જે. પાર્ટીનું આયોજન કરનાર આયોજકોએ પાસ વહેંચી દીધા હોય અને પાર્ટી શરૂ થતાની સાથે જ પોલીસે તે બંધ કરાવતા રંગમાં ભંગ પડ્યો હતો અને આવી ડી.જે. પાર્ટીમાં પાસ ખરીદીને આવેલા લોકોએ દેકારો પણ મચાવ્યો હતો.
રેવ પાર્ટીની શંકાએ એસઓજી દ્વારા 10 સ્થળે ડ્રોનથી ચેકિંગ
થર્ટીફર્સ્ટમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે ખાસ તકેદારી રાખવા અને ચેકીંગ કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ એસઓજીને સુચના આપી હતી. જેના પગલે એસઓજીના પીઆઈ એસએમ જાડેજા અને તેમની ચાર ટીમ દ્વારા ખાસ ડ્રગ્સ ટેસ્ટીંગ કીટ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ ંહતું. તેમજ જ્યાં જ્યાં ડી.જે. પાર્ટીનું આયોજન થયું હતું તેવી જગ્યાએ ખાસ કરીને પાર્કિંગ અને અન્ય કોઈ સ્થળે રેવ પાર્ટીનું આયોજન તો થયું નથીને તે જાણવા માટે એસઓજીએ ડ્રોન દ્વારા ચેકીંગ કર્યુ હતું. એસઓજીની ટીમે શહેરના 150 ફૂટ રોડ ઉપર કટારિયા ચોકડી, કોમ્પલેક્ષ પાર્ટી પ્લોટ, નિરાલી રિસોર્ટ, ટી પોસ્ટ, એમટીવી, સંગ પાર્ટીલોન્ચ, બાર્બીક્યુ, તેમજ સેક્ધડવાઈફ અને ડિલાઈટ પાર્ટીલોન્ચ તેમજ 150 ફૂટ રીંગ રોડ પર અલગ અલગ સ્થળોએ ડ્રોન દ્વારા ચેકીંગ કર્યુ હતું. એસઓજીની ટીમે ડ્રોન દ્વારા પાર્કિંગ તેમજ ખાસ કરીને છાણે-ખુણે કે ફાર્મહાઉસમાં ચાલતી પાર્ટીઓ ઉપર વોચ રાખી હતી. જો કે, પોલીસના કડક ચેકીંગના પગલે કોઈ ડ્રગ્સ કે મહેફીલના આયોજનો થયા નહીં હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
અટલ સરોવરમાં રજવાડી ગ્રૂપ દ્વારા મોટેથી DJ વગાડતા આયોજક સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો
રાત્રીના 10 થી સવારના છ વાગ્યા સુધી મોટા અવાજથી માઇક વગાડવાની મનાઇ છતા વગાડવામાં આવતું હતું
રાજકોટ શહેરમા નવા વર્ષની રંગારંગ ઉજવણી કરવામા આવી હતી અને 2025 ને વધાવવા માટે યુવાધન થનગનાટ કરી રહયુ હતુ અને રાત્રીના 1ર ના ટકોરે યુવાનો દ્વારા કેક કાપી નવા વર્ષ 2025 ને આવકારવામા આવ્યુ હતુ. લોકોએ ડીજેના તાલે ઝુમી નવા વર્ષને વધાવ્યુ હતુ. સાથે ચર્ચમા ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રાર્થના બાદ એકબીજાને ગળે મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે રાજકોટ શહેરમા અમુક હોટલ અને રીસોર્ટમા ડાન્સ પાર્ટી ગોઠવવામા આવી હતી. ત્યારે શહેરની ભાગોળે આવેલા અટલ સરોવરમા રજવાડી ગ્રુપ દ્વારા થર્ટી ફસ્ટ ડીસેમ્બર નિમીતે નાઇટ પાર્ટીનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ રાત્રીના 10 થી સવારના છ વાગ્યા સુધી મોટેથી ડીજે કે માઇક વગાડવાની મનાઇ હોવા છતા રજવાડી ગ્રુપ દ્વારા ધ્વની પ્રદુષણ થાય અને ત્યા રહેતા સ્થાનીકોને મુશ્કેલી પડે તેવી રીતે ડીજે વગાડવામા આવતુ હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
આ મામલે યુનિર્વસીટી પોલીસ મથકના પીઆઇ એસ. એન. પટેલની રાહબરીમા એએ સઆઇ જગમાલભાઇ ખટાણા, દિવ્યરાજસિંહ જાડેજા સહીતનો સ્ટાફ તુરંત અટલ સરોવર પહોંચી ગયો હતો અને ત્યા જઇ તપાસ કરતા રાત્રીના 11 વાગ્યા છતા પણ મોટે મોટેથી ડીજે વાગતુ હતુ જેથી પોલીસે રજવાડી ગ્રુપના આયોજકો હાર્દિકસિંહ દિલીપસિંહ રાઠોડ (રહે. રૈયા રોડ શિવપરા શેરી નં 7), મનિષ નરશીભાઇ ચાવડા (પ્રજાપતિ, રહે. ગર્વમેન્ટ કવાર્ટર નં 84, કાલાવડ રોડ) તેમજ સાઉન્ડ ઓપરેટર પારસ સુરેશભાઇ જોશી (રહે. સાધુ વાસવાણી રોડ, જનકપુરી આવાસ યોજના, કવાર્ટર નં 107પ) હોવાનુ જણાવ્યુ હતુ આ તમામ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામા આવી હતી. તેમજ તેઓને રાત્રીના 10 વાગ્યાથી સવારના છ વાગ્યાની વચ્ચેના સમયગાળામા મોટે મોટેથી માઇક કે ડીજે ન વગાડવા અંગેની પોલીસ કમિશનર બ્રજેશ ઝા ના જાહેરનામા અંગે સમજ આપી કાર્યવાહી કરી હતી.