રાજકોટ જિલ્લામાં મતદાર યાદીનું ડિજિટલાઈઝેશનનું 76 ટકા કામ પૂર્ણ
રાજકોટ ઈસ્ટમાં સૌથી ધીમી કામગીરી, 30મી સુધીમાં કામગીરી પૂરી કરવા તાકીદ
રાજકોટ જિલ્લામાં મતદાર નોંધણી ઇન્યુમરેશન ફોર્મ્સના ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.
તાજેતરના આંકડાઓ મુજબ, રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 76 ટકા જેટલી ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જોકે, વિવિધ વિધાનસભા બેઠકો પર કામગીરીની ગતિમાં નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે.
જસદણ વિધાનસભા બેઠકે સૌથી વધુ પ્રગતિ સાધી છે, જ્યાં 91 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. તેની સામે, રાજકોટ ઇસ્ટ વિધાનસભા બેઠકમાં માત્ર 68 ટકા જેટલી જ કામગીરી પૂર્ણ થઈ શકી છે, જે જિલ્લામાં સૌથી ઓછો આંકડો છે. આગામી 4 ડિસેમ્બર સુધીમાં તમામ બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) ને ઘરે ઘરેથી ઇન્યુમરેશન ફોર્મ્સ એકત્રિત કરી, ઓનલાઇન મેપિંગ સહિતની સમગ્ર ડિજિટાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે.
જોકે, સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બીએલઓને કોઈપણ સંજોગોમાં 30 નવેમ્બર સુધીમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવા માટે આંતરિક રીતે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.