રાજકોટમાં 74મી ઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશીપનો પ્રારંભ
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં માર્ચપાસ્ટ સાથે ઉદ્ઘાટન સમારોહ યોજાયો, પ્રથમ દિવસે પુરુષ હોકીની 8 ટીમો વચ્ચે 4 ટક્કર
રાજકોટ પોલીસની યજમાની માં આજથી 74મી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે.
14 ડીસેમ્બર સુધી યોજાનાર આ ચેમ્પિયનશિપમાં ભારતભરની પોલીસ અને પેરા મીલીટરી ફોર્સની કુલ 32 ટીમો ભાગ લેશે રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ખાતે 32 ટીમો વચ્ચે કુલ 56 જેટલા મેચ રમાશે. આજે ગુજરાત રાજય પોલીસ વડા વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને હોકી ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.જેમાં રાજકોટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિભિન્ન પ્રાંતમાંથી આવેલા પોલીસ જવાનો અને સુરક્ષા દળોના ખેલાડીઓની માર્ચ પાસ્ટ, પોલીસ બેન્ડની સુરાવલી અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
આ તકે ડી.જી.પી. વિકાસ સહાયે પોલીસ જવાનો રમત-ગમત અને ખાસ કરીને હોકીમાં રાષ્ટ્રની પરંપરાને આગળ ધપાવી રહ્યા હોવાનું તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું. ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય પોલીસ હોકી ચેમ્પિયનશિપની યજમાની આપવા બદલ ડીજીપી વિકાસ સહાયે તેમનો આભાર માન્યો હતો. આ તકે ડી.જી.પી. (આર્મસ) રાજુ ભાર્ગવે સ્વાગત પ્રવચન આપ્યું હતું.
આ લીગમાં આધુનિક સુવિધાઓ સાથેના આંતરરાષ્ટ્રીય સ્તરનું મેદાન ધરાવતા મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ, રેસકોર્સ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત હોકી ગ્રાઉન્ડ ખાતે 300થી વધુ ખેલાડીઓ વચ્ચે 56 જેટલી હોકી સ્પર્ધાઓ યોજાશે.
શુભારંભ પ્રસંગે એડિશનલ ડી.જી.પી. પી.કે રોશન, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇ.જી શ્રી અશોકકુમાર યાદવ, ડી.સી.પી. શ્રી જગદીશ બંગરવા, શ્રી હેતલ પટેલ સહિત રાજકોટ પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રીજીનલ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, સહિત વિભિન્ન પ્રાંતમાંથી આવેલા કોચ, પોલીસ જવાનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રથમ દિવસની મેચમાં પુરુષની 8 ટીમો વચ્ચે ટક્કર થશે જેમાં મધ્ય પ્રદેશ અને એસેસબી, કર્ણાટક સામે પશ્ચિમ બંગાળ ,તેલંગાના સામે ઉત્તરાખંડ, ગુજરાત સમે આંધ્ર પરદેશની ટક્કર થશે.