ધ્રોલના ૭૪૮ લોકો હિન્દુ ધર્મ ત્યજીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મજબૂર
સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ધ્રોલના સાત ડેરી મંદિર વિસ્તાર, પડધરીના નાકા બહાર રહેતા ૭૪૮ લોકો એ હિન્દુ ધર્મ ત્યજીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મુખ્યમંત્રી સહિતના ને પત્ર લખી કલેકટર સમક્ષ ધર્મ પરીવર્તન કરવા મંજૂરી માંગી છે.
ધ્રોલમાં વોર્ડ નંબર ૭ ના પડધરી ના નાકા પાછળ સાત ડેરી મહાદેવ વાળા રોડ ઉપર રહેતા ૭૪૮ લોકોએ પોતાની સમસ્યાઓનુ નિરાકરણ ન થવાથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પડી હોવાનું હિન્દુ સેનાને મળેલ એક અરજીમાં જણાવ્યું છે. અરજી કરનારા અરજદારોએ જણાવ્યું છે કે ભાજપ કરતાં કોંગ્રેસ સરકાર સાત દરજજે સારી હતી જ્યારે કોંગ્રેસ સરકાર ગુજરાતમાં શાસન કરતી હતી ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો શાંતિથી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ જ્યારથી હિન્દુઓની સરકાર આવી છે ત્યારથી હિન્દુઓની ચિંતાઓ વધી ગઈ છે, હિન્દુઓની સમસ્યાઓનું કોઈ નિરાકરણ થતું નથી જેથી અમે લોકોને કંટાળીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પડી રહી છે.
અમે લોકો જે વિસ્તારમાં રહીએ છીએ ખુલ્લેઆમ મટન, મચ્છી, મૃત પશુઓના હાડકા રસ્તા ઉપર નાખે છે જેનાથી દુર્ગંધ ફેલાય છે અને રોગચાળો પણ વધે છે. રસ્તા, ગંદકી સહિતના પ્રશ્નો વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી જેથી અમારી પાસે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા સિવાય કોઈ છૂટકો નથી. આ અંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ સુધી રજૂઆત કરવાની ઈચ્છા છે પરંતુ અમને ત્યાં સુધી કોર્પોરેટરો પહોંચવા નથી દેતા. આ અંગે નો અરજદારનો પત્ર હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઈ મહેતાને કુરિયર દ્વારા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અરજદારો દ્વારા મુખ્યમંત્રીભુપેન્દ્રભાઈ પટેલ સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ જિલ્લા કલેકટર જામનગર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જામનગર સહિતનાને પણ કુરિયર દ્વારા મોકલવામાં આવ્યાનું જાણવા મળે છે આ અંગે સત્તાવાર વર્તુળોમાં હજુ સુધી કોઈ જાણ ન હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ અંગે ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઈ મેતાએ જણાવ્યુ હતું કે, આ પ્રશ્ન ૩ થી ૪ 'વર્ષ જૂનો છે. આ અંર્ગે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. છેલ્લે ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ સાથે મારે વાત થઈ છે અને આ પ્રશ્નનો નિરાકરણ આવે તે માટે તેમણે ખાતરી આપી છે. તેમજ આ માટે મીટીંગ કરવા પણ તૈયારી દર્શાવી છે.