70,000 માજી સૈનિકોનો સરકાર સામે મોરચો
બાર માંગણીઓ સાથે 16મી સુધી રાજયભરમાં યાત્રા, ગાંધીનગર-અમદાવાદમાં જનસભા સાથે સમાપન થશે
ગુજરાતના પૂર્વ સૈનિકો ફરી એકવાર પોતાના હક્કો અને સન્માન માટે રસ્તા પર ઉતરવાના છે. આજે 5 સપ્ટેમ્બરથી શરૂૂ થતી સૈનિક સ્વાભિમાન યાત્રા 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરશે. આ યાત્રામાં આશરે 70,000 પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો જોડાશે, જેમાં અનામત, હથિયારના લાઇસન્સ, પેન્શન, અને અન્ય સહાયના નિયમોના અમલમાં થતી બેદરકારી જેવા 12 મુખ્ય મુદ્દાઓ પર સરકારનું ધ્યાન ખેંચવામાં આવશે. આ યાત્રાનું સમાપન ગાંધીનગર અને અમદાવાદમાં વિશાળ જનસભાઓ સાથે થશે જે રાજ્ય સરકાર માટે એક મોટો પડકાર બની શકે છે. આ પહેલા પૂર્વ સૈનિકોએ ગાંધીનગર અને અમદાવાદમાં પોતાની માગોને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા. જોકે, તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નહતું. તેથી એક વખત ફરીથી પૂર્વ સૈનિકો પોતાની માંગણીઓ સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયારી કરી લીધી છે. આ યાત્રા ગુજરાતના ઇતિહાસમાં પૂર્વ સૈનિકો દ્વારા કરવામાં આવતું સૌથી મોટું આંદોલન હોઈ શકે છે.
આશરે 70,000 પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો આ યાત્રામાં ભાગ લેશે, જે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થશે. યાત્રાનો મુખ્ય હેતુ સરકારને 12 મુદ્દાઓની યાદી રજૂ કરી, તેનું નિરાકરણ લાવવાનો છે. આ યાત્રા દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં વિશાળ જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૈનિકો પોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકશે.
યાત્રાનું સમાપન ગાંધીનગર અને અમદાવાદમાં વિશાળ જનસભાઓ સાથે થશે, જેમાં પૂર્વ સૈનિકો સરકાર સમક્ષ પોતાની માંગણીઓનું મેમોરેન્ડમ રજૂ કરશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને આ મુદ્દાઓનું નિરાકરણ કરવા અપીલ કરવામાં આવશે. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા સ્થળો પર જનસભાઓ યોજાશે, જેમાં દેશભક્તિના ગીતો, સૈનિકોના બલિદાનની ગાથાઓ, અને સ્થાનિક લોકોનું સમર્થન જોવા મળશે. આ જનસભાઓમાં ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી પણ રજૂ થશે, જેમાં ગરબા, લોકનૃત્ય, અને દેશભક્તિના ગીતોનો સમાવેશ થઈ શકે છે.