કાશ્મીરમાં જામનગર જિલ્લાના 70 યાત્રિકો અટવાયા
જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સમગ્ર ખીણ પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તંગદિલીભર્યા માહોલ વચ્ચે જામનગર શહેર અને જિલ્લાના આશરે 70 જેટલા યાત્રિકો શ્રીનગરમાં ફસાયા હોવાનું સામે આવ્યું હતું. જોકે, રાહતની વાત એ છે કે તમામ યાત્રિકો સલામત છે અને તેમને આજે શ્રીનગરથી જમ્મુ તરફ રવાના કરી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, જામનગરના આ યાત્રિકો પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથા સાંભળવા માટે શ્રીનગર ગયા હતા. કથા પૂર્ણ થયા બાદ તેઓ ત્યાં રોકાયા હતા, આ કારણે આશરે 70 જેટલા યાત્રિકો ત્યાં અટવાઈ ગયા હતા.
અટવાયેલા યાત્રિકો પૈકી જામનગરના પ્રદીપભાઈ રાવલ અને ભાવનાબેન રાવલ એક સપ્તાહ પહેલા જ શ્રીનગર પહોંચ્યા હતા. પહેલગામની ઘટના બન્યાના છેલ્લા ત્રણ દિવસથી તેઓ ત્યાં ફસાયેલા હતા. આતંકી હુમલાના કારણે સર્જાયેલા ભયના માહોલમાં હોવા છતાં, તમામ યાત્રિકો પરિવારજનો સાથે વીડિયો કોલ દ્વારા સતત સંપર્કમાં હતા અને તેમની સલામતી અંગેની જાણકારી આપી રહ્યા હતા.
પરિવારજનો પણ તેમના પ્રિયજનોની સલામતીને લઈને ચિંતિત હતા, પરંતુ તેઓ સુરક્ષિત હોવાના સમાચાર મળતાં તેમણે રાહત અનુભવી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, આ યાત્રિકોની જામનગર પરત ફરવાની રીટર્ન ટિકિટ 29 એપ્રિલની હતી. જોકે, પહેલગામની ઘટના બાદ શ્રીનગરમાં રોકાણની વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની રહી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને યાત્રિકોની સુરક્ષાને અગ્રતા આપતા, આજે સવારે 9:00 વાગ્યે તમામ યાત્રિકોને બસ મારફતે શ્રીનગરથી જમ્મુ તરફ રવાના કરવામાં આવ્યા હતા.
યાત્રિકો આજે મોડી સાંજ સુધીમાં સુરક્ષિત રીતે જમ્મુ પહોંચી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સંપર્કો અને અન્ય માધ્યમો દ્વારા જામનગર પરત ફરવા માટેની આગળની વ્યવસ્થા ટૂંક સમયમાં ગોઠવાઈ જશે અને આ તમામ 70 યાત્રિકો સલામત રીતે જામનગર પરત ફરી જશે. સમગ્ર ઘટનાક્રમમાં સ્થાનિક તંત્ર અને અન્ય સંસ્થાઓ દ્વારા પણ યાત્રિકોને મદદરૂૂપ થવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જામનગરના યાત્રિકોના સલામત રીતે શ્રીનગરથી જમ્મુ પહોંચી જવાથી તેમના પરિવારજનો અને સંબંધીઓએ હાશકારો અનુભવ્યો છે.