For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના 70 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઇન ગેમિંગના ભરડામાં

01:22 PM Oct 18, 2024 IST | Bhumika
ગુજરાતના 70 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઇન ગેમિંગના ભરડામાં
Advertisement

અમુક તો ગેમ પાછળ ચાર કલાકથી ઓછી ઊંઘ કરે છે: ખ.જ. યુનિ.ના સરવેમાં ચોંકાવનારા ખુલાસા

ગેમિંગની લતથી યુવાનોનો અભ્યાસ અને મગજ બગડી રહ્યા છે, સામાજિક સંબંધો ઉપર પણ અસર: સાઈકિયાટ્રિક

Advertisement

મનોરંજનનું માધ્યમ ગણાતું ઓનલાઈન ગેમિંગ હવે સમાજમાં એક દૂષણ તરીકે જોવાતું થઈ ગયું છે. કારણકે યુવાઓ કલાકો સુધી ઓનલાઈન ગેમ રમવા માડયા છે. જેની અવળી અસરો માતા પિતાને પણ ચિંતિત કરી રહી છે. એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટેસ્ટિકસ વિભાગના વરિષ્ઠ અધ્યાપક પ્રો.રાકેશ શ્રીવાસ્તવના માર્ગદર્શન નીચે એમએસસીના વિદ્યાર્થીઓ આયુષ પટેલ, હિતેન્દ્ર ચૌધરી, પ્રિયાંક લિંબાચિયા અને શૈલેષ નિમજેની ટીમે ઓનલાઈન ગેમિંગ પર કરેલા એક અભ્યાસના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.

વિદ્યાર્થીઓની આ ટીમે એમ.એસ.યુનિવર્સિટીના આર્ટસ, કોમર્સ, સાયન્સ અને એન્જિનિયરિંગના સ્નાતક તેમજ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ભણતા 314 જેટલા સ્ટુડન્ટસની એક સર્વે થકી જાણકારી મેળવી હતી.જેમાં 70 ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમ રમતા હોવાનું કબૂલ્યું હતું.

ગેમ રમનારા વિદ્યાર્થીઓની ઉંઘ પર ગેમ રમવાની અવળી અસર થઈ રહી હોવાનું પણ આ સર્વેમાં જાણવા મળ્યું હતું. કારણકે 76 ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે, અમે રોજની આઠ કલાક કરતા ઓછી ઉંઘ લઈએ છીએ. 72 ટકા વિદ્યાર્થીઓએ તો એમ પણ જણાવ્યું હતું કે, ક્યારેક તો અમે આખા દિવસમાં ચાર કલાક કરતા ઓછુ ઉંઘીએ છીએ.

સ્માર્ટ ફોને પણ ઓનલાઈન ગેમિંગને વધારે પ્રચલિત કરી દીધી છે.સર્વેમાં 66 ટકા વિદ્યાર્થીઓએ ગેમ રમવા માટે મોબાઈલનો ઉપયોગ કરતા હોવાનું કહ્યું હતુ.જ્યારે 20 ટકા વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓ ગેમ રમવા માટે મોબાઈલ અને કોમ્પ્યુટર એમ બંનેનો ઉપયોગ કરતા હતા.

-17 ટકા વિદ્યાર્થીઓએ સળંગ 6 કલાકથી વધારે, 27 ટકા વિદ્યાર્થીઓએ એક જ બેઠકે 1 થી 3 કલાક, 21 ટકા વિદ્યાર્થીઓએ 3 થી 6 કલાક અને 30 ટકા વિદ્યાર્થીઓએ એક કલાકથી ઓછો સમય ગેમ રમતા હોવાનુ કહ્યું હતું. 30 ટકા વિદ્યાર્થીઓ વોર કેટેગરીમાં આવતી, 16 ટકા વિદ્યાર્થીઓ સ્પોર્ટસને લગતી, 16 ટકા વિદ્યાર્થીઓ સ્ટ્રેટેજિક અને 21 ટકા વિદ્યાર્થીઓ એક્શન કેટેગરીમાં આવતી ગેમ રમવાનુ પસંદ કરે છે. સ્માર્ટ ફોન પ્રચલિત થયા બાદ ગેમ રમનારાઓની સંખ્યા પણ વધી છે.29 ટકા વિદ્યાર્થીઓએ 3 વર્ષ કરતા વધારે સમયથી, 21 ટકા વિદ્યાર્થીઓએ 6 મહિનાથી અને 31 ટકા વિદ્યાર્થીઓએ એક વર્ષ કરતા વધારે સમયથી ગેમ રમતા હોવાનું કહ્યું હતું.

સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટ વિભાગના ડોકટર ચિરાગ બારોટે કહ્યું હતું કે, મારી પાસે દર મહિને ઓનલાઈન ગેમિંગના બે થી ત્રણ દર્દીઓ આવે છે.જેમાંથી મોટાભાગના યુવાઓ જ હોય છે.ગેમિંગની લત ચિંતાનો વિષય બની રહી છે.તેના કારણે યુવાઓનો અભ્યાસ બગડી રહ્યો છે, સામાજિક સબંધોમાં સમસ્યાઓ સર્જાઈ રહી છે. કારણકે ઓનલાઈન ગેમિંગમાં વ્યસ્ત રહેનારા યુવાઓ સબંધોથી દૂર ભાગવા માંડ્યા છે.
તેમની પ્રાથમિકતા બદલાઈ રહી છે.ઘણી વખત અન્ય જરુરી કામ માટેના પૈસા ગેમિંગ પાછળ પણ વાપરતા થઈ ગયા છે.ઓનલાઈન ગેમ સતત રમતા રહેવાના કારણે મગજ ઉત્તેજિત સ્થિતિમાં રહે છે.જેનાથી ઓછી ઉંઘ આવે છે.લાંબા ગાળે તેના કારણે યાદ શક્તિ પર અસર થવાની અને મગજને નુકસાન થવાની પણ શક્યતા છે.

વિદ્યાર્થીઓ કયા કારણોસર ટેન્શન અનુભવે છે તેની જાણકારી મેળવવાનો પ્રયાસ પણ આ સર્વેમાં કરવામાં આવ્યો હતો.જેમાં સામે આવ્યું હતું કે, આર્ટસમા 45 ટકા વિદ્યાર્થીઓ રિલેશનશિપની સમસ્યાના કારણે અને 27 ટકા અભ્યાસના કારણે તણાવ અનુભવે છે.તો કોમર્સના 71 ટકા વિદ્યાર્થીઓએ આ માટે રિલેશનશિપ તેમજ 14 ટકાએ અભ્યાસના પરિબળોને જવાબદાર ગણાવ્યા હતા.સાયન્સના 50 ટકા વિદ્યાર્થીઓએ પ્રેશર માટે રિલેશનશિપ અને 50 ટકાએ અભ્યાસ જવાબદાર હોવાનું કહ્યું હતું.એન્જિનિયરિંગના 50 ટકા વિદ્યાર્થીઓએ અભ્યાસના કારણે તણાવ હોવાનું અને 50 ટકાએ આર્થિક સ્થિતિના કારણે ટેન્શન રહેતું હોવાનું જણાવ્યું હતું.

સપ્તાહમાં કેટલા દિવસ ઓનલાઈન ગેમ રમે છે
1 દિવસ રમનારા 13 ટકા
2 દિવસ રમનારા 14 ટકા
3 દિવસ રમનારા 17 ટકા
4 દિવસ રમનારા 16 ટકા
5 દિવસ રમનારા 12 ટકા
6 દિવસ રમનારા 13 ટકા
7 દિવસ રમનારા 15 ટકા
ગેમ રમવામાં વિદ્યાર્થિનીઓ પણ પાછળ નથી
આર્ટસની 83 ટકા ગર્લ્સ
કોમર્સની 63 ટકા ગર્લ્સ
સાયન્સની 100 ટકા ગર્લ્સ
એન્જિનિયરિંગની 71 ટકા ગર્લ્સ

Advertisement
Tags :
Advertisement
Advertisement