કલેક્ટર કચેરીના 7 ટકા કર્મચારીઓ હાઇ-લો બ્લડપ્રેસર, ડાયાબિટીસના શિકાર
મેડિકલ કેમ્પ યોજાયો, ફાયર સેફટીની પણ સરપ્રાઇસ ચકાસણી કરતા કલેક્ટર
રાજકોટ કલેક્ટર કચેરી દ્વારા પોતાના કર્મચારીઓની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને શનિવારે બપોર બાદ કચેરી પરિસરમાં એક વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શહેરની જાણીતી પદ્મા કુંવરબા હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે પોતાની સેવાઓ આપી હતી.
આ મેડિકલ કેમ્પમાં કલેક્ટર કચેરીના કુલ 160 કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન કર્મચારીઓના કિડની, લીવર, કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, લો બીપી અને ડાયાબિટીસ જેવા વિવિધ આરોગ્ય સંબંધિત પરિમાણોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસના અંતે આશરે પાંચથી સાત ટકા કર્મચારીઓમાં હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ હોવાનું સામે આવ્યું છે.
આ પરિણામોને ગંભીરતાથી લઈને કલેક્ટરે આ અસરગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક ધોરણે પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવા માટે સૂચના આપી છે. તેમણે કર્મચારીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવા પર ભાર મૂક્યો હતો. દરમિયાન, કલેક્ટરે શનિવારે બપોર પછી કલેક્ટર કચેરીમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન તેમણે ખાસ કરીને ફાયર સેફ્ટીની વ્યવસ્થા અને ફાયર એનઓસી અંગે માહિતી મેળવી હતી. કલેક્ટરે કચેરીમાં લગાવવામાં આવેલા તમામ ફાયર સિસ્ટમ અને સિલિન્ડરોની જાતે ચકાસણી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે 40 થી 50 જેટલા ફાયર એક્સટિંગ્વિશરની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે. કલેક્ટરે તાત્કાલિક આ એક્સપાયર થયેલા સિલિન્ડરોને બદલવાનો આદેશ આપ્યો હતો. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે નવા સિલિન્ડરો આવ્યા બાદ કર્મચારીઓ માટે ફાયર સેફ્ટી અંગે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે, જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં કર્મચારીઓ સુરક્ષિત રહી શકે.