ગુજરાતમાં GSTની આવકમાં 7 ટકાનો ઘટાડો
કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના જીએસટી ડેટા અનુસાર, ગુજરાતના પ્રી-સેટલમેન્ટ સ્ટેટ જીએસટી (જGST)ની આવકમાં નવેમ્બર 2025માં 7%નો ઘટાડો નોંધાયો છે. નવેમ્બર 2024માં 4,101 કરોડની સરખામણીએ નવેમ્બર 2025માં રાજ્યે 3,825 કરોડ એકત્ર કર્યા હતા. જો કે, IGST સેટલમેન્ટના સમાયોજન પછી રાજ્યની પોસ્ટ-સેટલમેન્ટ જGST આવકમાં નજીવો 1%નો વધારો થયો છે.
નવેમ્બર 2024માં 6,657 કરોડથી વધીને નવેમ્બર 2025માં 6,723 કરોડ થઈ હતી. આ દર્શાવે છે કે સીધા જGST પ્રવાહમાં ઘટાડો થયો હોવા છતાં આ વર્ષે ગુજરાતને ઉચ્ચ IGST સેટલમેન્ટનો લાભ મળ્યો છે.
પ્રી-સેટલમેન્ટ GST આવકમાં વર્ષ-દર-વર્ષ ઘટાડો જોનારા કેટલાક મુખ્ય રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. મધ્યપ્રદેશ (-8%), ઉત્તર પ્રદેશ (-7%), તમિલનાડુ (-4%) અને રાજસ્થાન (-3%) જેવા અન્ય રાજ્યોએ પણ ઘટાડો નોંધાવ્યો છે. તેનાથી વિપરીત મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આસામ, તેલંગાણા અને હરિયાણાએ પ્રી-સેટલમેન્ટ અને પોસ્ટ-સેટલમેન્ટ બંને શ્રેણીઓમાં હકારાત્મક વૃદ્ધિ નોંધાવી.
રાષ્ટ્રીય સ્તરે GST કલેક્શન લગભગ સ્થિર રહ્યું છે. નવેમ્બર 2025માં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું સંયુક્ત પોસ્ટ-સેટલમેન્ટ GST 86,882 કરોડ હતું, જે ગયા વર્ષના સમાન ગાળાના 86,837 કરોડથી લગભગ યથાવત છે. મંત્રાલયે નોંધ્યું કે આ આંકડા કામચલાઉ છે અને તેમાં સુધારો થઈ શકે છે. નોંધનીય છે કે આ ધીમી વૃદ્ધિ પનેક્સ્ટ-જનરેશન જીએસટી સુધારાના અમલીકરણ પછીની છે. આ સુધારાઓએ ચાલુ વર્ષના સપ્ટેમ્બરથી વિવિધ ચીજવસ્તુઓ અને સેવાઓ માટે દરના સ્લેબમાં સુધારો કર્યો હતો. ઘણા દૈનિક વપરાશની વસ્તુઓ ગ્રાહકો માટે સસ્તી બનતાં, સરકારી આવકમાં તેના અનુરૂૂપ ઘટાડાની અપેક્ષા રખાઈ હતી.