ગોકુલનગરમાં નોનવેજની 7 દુકાનો સીલ
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે ગોકુલ નગર વિસ્તારમાં આવેલી નોનવેજની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સ્વચ્છતાનો અભાવ (અન-હાઇજેનિક ક્ધડીશન) જોવા મળ્યો હતો તેમજ અનેક દુકાનદારો પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ગંભીર બેદરકારી બદલ ફૂડ શાખા દ્વારા ગોકુલ નગર પાણાખાણ વિસ્તારની સાત નોનવેજ દુકાનોને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.
મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓ ડી.બી. પરમાર અને એન.પી. જાસોલિયા તથા તેમની ટીમ દ્વારા આ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન સાતેય દુકાનોમાં સ્વાસ્થ્યપ્રદ પરિસ્થિતિ જાળવવામાં આવતી ન હોવાનું અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું પાલન ન થતું હોવાનું જોવા મળ્યું હતું. આ ઉપરાંત, ફૂડ બિઝનેસ ઓપરેટ કરવા માટે ફરજિયાત એવા ફૂડ વિભાગના લાયસન્સ પણ મોટાભાગના દુકાનદારો પાસે ઉપલબ્ધ ન હતા.
ફૂડ શાખા દ્વારા સ્થળ પર જ આ સાતેય દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી અને દુકાન માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જ્યાં સુધી તેઓ સ્વચ્છતાની યોગ્ય જાળવણી ન કરે તથા ફૂડ વિભાગનું ફરજિયાત લાયસન્સ મેળવી ન લે ત્યાં સુધી દુકાનો ફરીથી ખોલવામાં ન આવે. મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી નોનવેજ દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ શાખા દ્વારા ભવિષ્યમાં પણ આવા ચેકિંગ ચાલુ રાખવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.