એક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેન
સીએનજી આધારિત ભઠ્ઠીના કામમાં કાચું કપાયું, સ્ટીલના બદલે લોખંડની પેટી બનાવી હોવાનો તજજ્ઞોનો અભિપ્રાય
દોઢ કલાકમાં અગ્નિદાહની વિધિ સંપન્ન થાય તેના બદલે સાત કલાકના સમય મુજબનું ઈન્ફાસ્ટ્રક્ચર ધાબડી દેવાયું
મહાનગરપાલિકાના અનુભવી અને બુદ્ધીશાળી અધિકારીઓ અન્ય શહેરોમાં ચાલતા પ્રોજેક્ટો જોઈને અથવા મનપાને નુક્શાની ઓછી થતી હોય તેવા પ્રોજેક્ટો વગર વિચારીએ તૈયાર કરી કામ શરૂ કરાવી દેતા હોય છે. જેના લીધે લોકોને મુસ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એવું હાલમાં ચાલતા ત્રણ સ્મશાનની ભઠ્ઠીના કામમાં બનવા પામ્યું છે.
સીએનજી આધારિત અગ્નિદાહ માટેની ભઠ્ઠી તૈયાર કરવાનું કામ ત્રણ સ્મશાન ખાતે ચાલી રહ્યું છે. પરંતુ આ ભઠ્ઠીમાં એક અગ્નિદાનમાં સાત કલાકનો સમય લાગતો હોય મોટી સમસ્યા ઉભી થયાની જાણ થતાં સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે હાલ ત્રણેય સ્મશાનોનું ભઠ્ઠીનું કામ બંધ કરાવી પેમેન્ટ અટકાવી એજન્સીઓને આજે કોર્પોરેશન ખાતે બોલાવવામાં આવ્યા છે અને નિયમ મુજબ દોઢકલાકમાં અગ્નિદાહ ક્રિયા સંપન્ન થઈ જાય તે મુજબની ભઠ્ઠી બનાવવાની સૂચના અપાશે તેમ સ્ટેન્ડીંગ ચેરમેને જણાવ્યું હતું.
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, હાલ મોટા મૌવા, રામનાથપરા અને કોઠારિયા ખાતેના ત્રણ સ્મશાનોમાં સીએનજી આધારિત ભઠ્ઠીઓનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા સીએનજી ગેસ ફ્રીમાં આપવામાં આવશે. જેના લીધે અગ્નિદાન સમયે થતી વિજળીની ખપતમાં ભારેબચત આથી શહેરના તમામ સ્મશાનો સીએનજી આધારિત કરવાનો નિર્ણય લઈ પ્રથમ ત્રણ સ્મશાનોની ભઠ્ઠી માટે બે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. હાલ મોટામૌવા સ્મશાન ખાતે ભઠ્ઠીનું કામ પૂર્ણતાના આરે છે. પરંતુ તજજ્ઞોના જણાવ્યા મુજબ લોખંડના સ્ટ્રક્ચરની બનાવેલ આ ભઠ્ઠીમાં એક અગ્નિદાન માટે સાત કલાક જેટલો ભારે સમય લાગશે જેના લીધે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. નિયમ મુજબ એક અગ્નિદાનમાં દોઢથી બે કલાકનો સમય લાગતો હોય છે.
જેની સામે ચારગણો સમય લાગવાનું કારણ શું જેની તપાસ કરતા માલુમ પડેલ કે, એજન્સી દ્વારા સુચવવામાં આવેલ લોખંડનું બોક્સ તેમજ લોખંડના ખાટલાને સીએનજી આધારીત ગરમ થતાં જ દોઢથી બે કલાકનો સમય લાગી રહ્યો છે. જેના લીધે અગ્નિદાનનો સમય સાત કલાક થઈ જાય છે. જેની સામે સ્ટીલનું ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે તો રાબેતા મુજબ દોઢથી બે કલાકમાં અગ્નિદાનની ક્રિયા પૂર્ણ થઈ જાય તેમ છે. આથી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે બન્ને એજન્સીઓને આજે કોર્પોરેશન ખાતે બોલાવેલ છે.
સ્ટેન્ડીંગ ચેરમેને વધુમાં જણાવેલ કે, હાલમાં ફીટ થઈ રહેલ લોખંડના ઈન્ફાસ્ટ્રક્ચરના સ્થાને સ્ટીલનું ઈન્ફાસ્ટ્રકચર કરવામાં આવે તો એજન્સીને સસ્તામાં પરવડે તેમ છે. તેના માટે વધારાનો કોઈ ખર્ચ કરવો પડે તેમ નથી. આથી બન્ને એજન્સીઓને સમજાવીને હવે ત્રણેય સ્મશાન ખાતે લોખંડના બદલે સ્ટીલનું ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સૂચના આપવામાં આવશે. આ સીએનજી આધારીત સ્મશાનના ભઠ્ઠીના કામ માટે ટેન્ડર મંજુર કરવામાં આવેલ જેમાં અધિકારીઓના બિન અનુભવના કારણે કાચુ કપાયાની ચર્ચા પણ જાગેલ છતાં સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા આજે લોકોના હિત માટે એજન્સીઓનું કામ અટકાવી તેમજ તેમના બીલ અટકાવી નવેસરથી કામ કરવાનો નિર્ણય લીધો છે.
દેખાદેખીમાં વગર અનુભવે કરોડોનું આંધણ
મહાનગરપાલિકાના અધિકારીઓ અન્ય શહેરો તેમજ વિદેશોમાં જઈને નવી નવી ટેક્નિકો શીખી આવે છે. જેની અમલવારી રાજકોટના પ્રોજેક્ટમાં કરવામાં આવી રહી છે. અમુક પ્રોજેક્ટમાં પ્રજા અને તંત્રને ફાયદો થાય છે પરંતુ બિન અનુભવના કારણે અમુક પ્રોજેક્ટોનું બાળમરણ પણ થઈ રહ્યુ ંછે. આ પ્રકારના અનેક પ્રોજેક્ટો કે જે અન્ય જગ્યાએથી જોઈને તૈયાર કરવામાં આવ્યા હોય તેનું કામ તે વિષયના તજજ્ઞો અને કોન્ટ્રાક્ટરોને આપવામાં ન આવતા લોકોના કરોડો રૂપિયાનું આંધણ પણ ભવિષ્યમાં થયું છે. તેવી ચર્ચા આજના સ્મશાનના કામ ઉપરથી લોકોમાં ચર્ચાઈ રહી છે.