ICICI બેંકના ભરણામાં 7.92 લાખની નકલી નોટો નીકળી
સાડા ત્રણ વર્ષમાં 100,200 અને 2000ના દરની 2247 જાલીનોટ અજાણ્યા ગ્રાહકો ધાબડી ગયા!
રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર- કચ્છની આઇસીઆઇસીઆઇ બેંકની અલગ-અલગ બ્રાન્ચોમાં છેલ્લા સાડા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન અજાણ્યા ગ્રાહકો 100, 200 અને 2000 ના દરની મળી કુલ રૂૂપિયા 7.92 લાખની 2247 જાલી નોટ ધાબડી ગયા હતા. જે અંગે બેંકની મોરબી રોડ શાખાના મેનેજર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા આ મામલે એસઓજીની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.મળતી વિગતો મુજબ, શહેરના રૈયારોડ પર વૈશાલીનગરમાં રહેતા અને આઇસીઆઇસીઆઇ બેંકની મોરબી રોડ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરનાર સંદીપ ગુણવંતરાય ગઢેચા(ઉ.વ 40) દ્વારા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષની બ્રાન્ચ નજર તરીકે અહીં નોકરી કરે છે.
તેમની ફરજમાં તેમની શાખાની કરન્સી ચેસ્ટ તેમજ સૌરાષ્ટ્ર તથા કચ્છની આઇસીઆઇસીઆઇ બેંકની કરન્સી ચેસ્ટની તમામ શાખાઓમાંથી જે નોટો આવે તે મશીન દ્વારા ચેક કરી બનાવટી છે કે કેમ? તેની તપાસણી કરી જેમાં બનાવટી નોટો નીકળે તે બનાવટી નોટો પોલીસ અધિક્ષક અથવા પોલીસ કમિશનરને મોકલવાની હોય છે જે અનવ્યે તેઓએ કરન્સી ચેસ્ટ શાખામાં એપ્રિલ 2021 થી સપ્ટેમ્બર 2024 ના સમયગાળા દરમિયાન બેંકમાં જમા થયેલી નોટોની ચકાસણી કરતા તેમની શાખા તેમજ રાજકોટની અન્ય શાખાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છની તમામ આઈસીઆઈસી બેંકની બ્રાન્ચમાં ભરણામાં કુલ 2247 બનાવટી નોટ કોઈ અજાણ્યા ગ્રાહકો જમા કરાવી ગયાનું માલુમ પડ્યું હતું.જે બનાવટી નોટો જમા કરાવી છે તેમાં રૂૂ. 2,000 ના દરની 135, 500ના દરની 674, 200 ના દરની 444 , 100 ના દરની 947, 50 ના દરની 47 સહિત કુલ રૂૂપિયા 7,92,850 ની બનાવટી નોટો બેંક ભરણામાં જમા કરાવી ગયા હોવા અંગે તેમણે આ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. બનાવ અંગે વધુ તપાસ એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ સી.એચ.જાદવ ચલાવી રહ્યા છે.