For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરનાર 65 ખેડૂતોની દિવાળી જેલમાં

12:35 PM Oct 15, 2025 IST | Bhumika
બોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરનાર 65 ખેડૂતોની દિવાળી જેલમાં

આરોપીના 6 દિ’ના રિમાન્ડ મંજૂર, આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી ખેડૂતોની મહાપંચાયતમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા ગુનો નોંધાયો’તો

Advertisement

બોટાદ એ.પી.એમ.સી.માં કપાસ સહિતની અન્ય જણસીમાં કડદો કરી ખેડૂતોને ઓછો ભાવ આપવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હળદડ ગામે ખેડૂત મહાપંચાયત યોજી હતી. જે દરમિયાન ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ ઉપર પથ્થરમારો કરી પોલીસવાનમાં તોડફોડ કરવા સબબ 85 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાંથી ઝડપાયેલા 65 ખેડૂતોને 14 દિવસના રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં. કોર્ટે 18 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજુર કરી 47 આરોપીઓને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. ઝડપાયેલા 65 ખેડૂતોની દિવાળી જેલમાં જ જશે. તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ કેસની હકીકત મુજબ બોટાદ એ.પી.એમ.સી.માં કપાસ અને અન્ય જણસીમાં કડદો કરી ખેડૂતોને ઓછા ભાવ આપવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેને પગલે 15 ઓકટોબરનાં રોજ પોલીસે મંજુરી ન આપી હોવા છતાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હળદડ ગામે ખેડૂતોની મહા પંચાયતનું આયોજન કર્યુ હતું. ગેરકાયદેસર મંડળીને વિખેરવા પહોંચેલી પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસ કાફલા પર પથ્થરમારો થયો હતો અને સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘર્ષણની આ ઘટનામાં ચાર પોલીસ કર્મીઓને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે ખેડૂતોની મહા પંચાયતમાં જઈ રહેલા આમ આદમીના નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા હતાં અને રસ્તાઓ પરથી જ ઉઠાવી લેવામાં આવ્યા હતાં.

Advertisement

પોલીસ ઉપર પથ્થરમારો કરી સરકારી વાહનમાં તોડ ફોડ કરનાર 85 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદનાં આધારે પોલીસે 65 ખેડૂતોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં. જ્યારે હજુ 20 આરોપીઓ પોલીસ ધરપકડથી દૂર છે. ઝડપાયેલા 65 આરોપીઓને પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં. જેમાંથી 18 આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રિમાન્ડ અરજી કરવામાં આવી હતી. જે રિમાન્ડ અરજી ચાલી જતાં કોેર્ટેે 18 આરોપીઓના છ દિવસના એટલે કે દિવાળી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે 47 ખેડૂતોને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. 65 ખેડૂતોની દિવાળી જેલમાં જશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement