ભારે ગરમીના કારણે 60 ઈલેક્ટ્રિક બસ હાંફી ગઈ
બેટરી હીટઅપ, બ્રેક ડાઉન, સેન્સર બંધ સહિતના ઇસ્યુ ઊભા થતા મનપાએ કમ્પિલટ બસ હોય તોજ દોડાવવી તેવો નિર્ણય લઈ તમામ બસને વર્કશોપ ખાતે રિપેરિંગ માટે મોકલી
શહેરમાં ગઇકાલે રેકોર્ડ બ્રેક તાપમાન 46 ડીગ્રી પાર થઇ જતા લોકોને સાથોસાથ ઇલેકટ્રીક બસને પણ ભારે અસર જોવા મળી છે. બેટરી હિટીગ તેમજ સેન્સર ગરમ થવાના કારણે એનક ઇલેકટ્રીક બસ બ્રેક ડાઉન થઇ જતા ગઇકાલ સાંજથી બીઆરટીએસ રૂટ ઉપર 70ટકા બસ બંધ કરી વર્કશોપ મોકવમાં આવી છે. ત્યારે શહેરમાં અન્ય રૂટ ઉપર દોડતી 90થી વધુ ઇલેકટ્રીક બસમાં પણ એનક ઇસ્યુ ઉભા થતા આજે બીઆરટીએસ અને સીટીબસની અંદાજે 60થી વધુ બસના રૂટ બંધ કરી રીપેરીંગ કામ માટે વર્કશોપમાં મોકલી હોવાનું જાણવા મળેલ છે.
મહાપાલિકાના ટાન્સ્પોર્ટ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ તાપમાનનો પારો 45 ડીગ્રી પાર થતા ઇલેકટ્રીક બસમાં અનેક ઇસ્યુ ઉભા થયા છે. ગરમીના કારણે બેટરી સંચાલીત ઇલેકટ્રીક બસમાં પ્રથમ બેટરી હિટીંગ થવાની ફરિયાદો ઉઠતા ગઇકાલે બપોર બાદ બીઆરટીએસ રૂટ ઉપર દોડતી 28 પૈકી 22 બસ બંધ કરી સેન્સર સહિતના ચેકિંગ માટે વર્કશોપમાં મોકલવામાં આવી હતી.
ત્યારબાદ શહેરના અલગ અલગ રૂટ ઉપર દોડતી ઇલેકટ્રીક બસ પૈકી અમુક બસમા આ પ્રકારના ઇસ્યુ હોવાનું ડ્રાઇવરોએ જણાવતા આજે સવારે ડેપો માંથી ઉપડતી તમામ ઇલેટ્રીક બસ ચેક કરવામાં આવી હતી. ડ્રાઇવરોના જણાવ્યા મુજબના ઇસ્યુ હતા. તેવી બસોને વર્કશોપમાં મોકલવામાં આવી છે. ઇન્દિરા સર્કલ અકસ્માત બાદ તંત્ર દ્વારા રોજેરોજ તમામ સિટીબસનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને નાનો એવો ફલોટ હોય તો પણ બસને બ્રેક ડાઉન કરી વર્કશોપમાં મોકલવામા આવી રહી છે.
હાલ શહેરમાં અને બીઆરટીએસ રૂટ ઉપર 124 ઇલેકટ્રીક બસ તથા 100 સીએનજી બસ દોડવવામાં આવી રહી છે. જે પૈકી 60થી વધુ ઇલેકટ્રીક બસમાં બેટરી હિટીંગ અને સેન્સર સહિતના ફોલટ દેખાતા તમામ બસોને વર્કશોપમાં રીપેરીંગ કરવામાં આવશે ત્યારબાદ આ બસ તેના રૂટ ઉપર દોડતી કરાશે આથી હાલ બીઆરટીએસ રૂટ અને શહેરના અલગ અલગ રૂટ ઉપર દોડતી 60થી વધુ ઇલેકટ્રીક બસ વર્કશોપમાં મોકલી દેવાતા વધુ પેસેન્જર વાળા રૂટ ઉપર અન્ય બસોને દોડાવી પેસેન્જરોને મુશ્કેલી ના પડે તે પ્રકારનું સમયપત્ર તૈયાર કરવામાં આવ્યું હોવાનું તંત્રએ જણાવ્યું હતુ.
ગરમી અને વેકેશનના કારણે રાહત
મહાનગરપાલિકાની બીઆરટીએસ અને શહેરના અલગ અલગ રૂટ ઉપર દોડતી 224 સિટીબસ પૈકી 60 ઇલેકટ્રીક બસ બેટરી હિટઅપ સહિતના ફોલટના કારણે વર્કશોપમાં મોકલી આપવામાં આવી છે. જેના લીધે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે કે કેમ તેવા પ્રશ્ર્નના જવાબમાં તંત્રએ જણાવેલ કે ગરમીના કારણે બહારગામથી આવતા મુસાફરો તેમજ શહેરના મુસાફરોએ પણ બપોરના એક વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ઘરની બહાર નીકળાનું ટાળયું છે. તેમજ હાલ શાળા કોલેજોમાં વેકેશન હોવાથી વિદ્યાર્થીઓનું સિટીબસ ઉપરનું ભારણ બંધ થઇ ગયું છે. આથી આ બંને મુદે છેલ્લા એક સપ્તાહથી સિટીબસમાં મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છતા વધુ પેસેન્જર વાળા રૂટ ઉપર વિદ્યાર્થીઓના રૂટ કાપી આ રૂટની બસને મોકવામાં આવી છે. જેના લીધે પેસેન્જરોને કોઇ જાતની મુશ્કેલી નહીં પડે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગ દ્વારા સિસિટીવી કેમેરા મારફતે દરેક રૂટ ઉપર પેસેન્જરોનું ગતીવીધી ઉપર ઘ્યાન રાખવામાં આવી રહ્યું છે. રીપેરીંગ થયા બાદ તમામ બસ તેના રૂટ ઉપર પૂર્વવત દોડાવવામાં આવશે તેમ જણાવ્યું હતુ.