શાપરમાં 6 વર્ષના માસુમને ડાઘિયા કૂતરાઓએ ફાડી ખાધો
રાજકોટ સહીત રાજ્યભરમાં રખડતા ઢોર અને કુતરાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે રખડતા ઢોર લોકોના જીવ લઇ રહ્યા છે તે મુદ્દે હાઈકોર્ટે ટકોર કરી હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી ત્યારે શાપરમાં પેટીયું રળવા આવેલ બિહારના શ્રમિક પરિવારનો છ વર્ષનો માસુમ પૂત્ર ઘર પાસે રમતો હતો ત્યારે પાંચ જેટલા કુતરાના ટોળાએ હુમલો કરી આખા શરીરે બચકા ભરી લેતા ગંભીર ઈજા થતા બાળકનું મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે તેના પિતા કામ સબબ વતન જવા નીકળ્યા હોય પૂત્રના મોતના સમાચાર સાંભળી અમદાવાદથી પરત રાજકોટ આવવા રવાના થયા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ બિહાર પટનાના અને હાલ જાન્યુઆરી મહિનામાં જ શાપર આવી આનંદ ગેટમાં કારખાનાની ઓરડીમાં રહી મજુરીકામ કરતા અજીતકુમાર યાદવનો પાંચ વર્ષનો પૂત્ર આયુષ આજે સાંજે ઘર પાસે રમતો હતો ત્યારે પાંચ જેટલા ડાઘીયા કૂતરાઓના ટોળાએ બાળક ઉપર હુમલો કરી આખા શરીરે બચકા ભરી લીધા હતા માથાના વાળથી લઇ પગના નખ સુધીનું શરીર ફાડી ખાતા લોહીલુહાણ થઇ ગયો હતો બાળકની ચીસો સાંભળી દોડી આવેલા પરિવારજનોએ આયુષને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડયો હતો પરંતુ અહીં મૃત્યુ નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મૃતક બે ભાઈમાં નાનો હતો. તેના પિતા કામ સબબ વતન જવા નીકળ્યા હોય પૂત્રના મોતના સમાચાર સાંભળી અમદાવાદથી પરત રાજકોટ આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.