ઉપલેટામાં હીંચકામાંથી પટકાયેલા પાંચમાં ધોરણના વિદ્યાર્થીનું મોત
ઉપલેટામાં આવેલી શ્રધ્ધા સોસાયટીમાં રહેતા પરિવારનો 10 વર્ષનો માસુમ બાળક બે દિવસ પૂર્વે અકસ્માતે હિંચકામાંથી નીચે પટકાયો હતો.ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકે રાજકોટ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં અમરેરાટી સાથે કરૂણકલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટામાં પોરબંદર રોડ પર આવેલી શ્રધ્ધા સોસાયટીમાં રહેતા પરિવારનો ધો.પાંચમાં અભ્યાસ કરતો ધાર્મિક મનીષભાઈ સોલંકી નામનો 10 વર્ષનો માસુમ ગત તા.28નાં રોજ રાત્રિનાં આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હિંચકામાં હિંચકતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાયો હતો. માસુમ બાળકે તાત્કાલીક સારવાર માટે ઉપલેટા અને ગોંડલ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ માસુમ બાળકે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.પ્રાથમિક પુછપરછમાં મૃતક ધાર્મિક સોલંકી તેના માતા-પિતાનો આધારસ્થંભ એકનો એક પુત્ર અને બહેનનો એકનો એક નાનો ભાઈ હતો અને ધો.પાંચમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.