જામજોધપુરમાં 58.12, ધ્રોલમાં 68.05 અને કાલાવડમાં 63.16 ટકા મતદાન
જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં શાંતિપૂર્ણ મતદાન થતાં તંત્રને રાહત: જામવંથલીની બેઠક પર 43.95 ટકા મતદાન: તમામ ઇવીએમ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ: આવતીકાલે પરિણામ
જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરેરાશ 63 ટકા જેટલું મતદાન થયું છે સમગ્ર ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલ માં સંપૂર્ણ થઈ હતી. આ સાથે જ તાલુકા પંચાયત ની જામ વણથલી બેઠક ની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં સરેરાશ 43.94 ટકા મતદાન થયું હતું.રાજ્ય ભર માં આજે અનેક નગરપાલિકાઓ ની સામાન્ય ચૂંટણી તેમજ પંચાયત ની અમુક બેઠક ની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લા ની પણ ત્રણ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયત ની એક બેઠક ની પેટા ચૂંટણી યોજાઈ હતી.
જામજોધપુર નગરપાલિકા ની સાત વોર્ડ ની 28 બેઠક માટે યોજાયેલી ચૂંટણી માં આજે મતદાન થયું હતું. સવારે સાત વાગ્યાથી ધીમી ગતિ એ મતદાન નો પ્રારંભ થયો હતો અને દર બે કલાકના અંતે ની વિગતો જોઈએ તો સવારે 9 વાગ્યા સુધીમાં 6.84 ટકા , 11 વાગ્યા સુધીમાં 20.53 ટકા , એક વાગ્યા સુધીમાં 33.06 ટકા , ત્રણ વાગ્યા સુધીમાં 46.24 ટકા , પાંચ વાગ્યા સુધીમાં 54.61 ટકા અને સાંજે છ વાગે મતદાન પૂરું થયા સુધીમાં 58.12 ટકા જેટલું મતદાન થયું હતું.ધ્રોલ નગરપાલિકા ની સાત વોર્ડ ની 24 બેઠકો માટે આજે મતદાન થયું હતું.
જેમાં પ્રથમ બે કલાકમાં એટલે કે 9 વાગ્યાના અંતે 7.66 ટકા ,11 વાગ્યા સુધીમાં 21.17 ટકા, 1 વાગ્યા સુધીમાં 34.93 ટકા , ત્રણ વાગ્યા સુધીમાં 46.84 ટકા , પાંચ વાગ્યા સુધીમાં 61.47 ટકા અને અંતે છ વાગ્યા સુધીમાં 68.05 ટકા મતદાન નોંધાયું હતું.કાલાવડ નગરપાલિકાની 27 બેઠકો માટે આજે મતદાન થયું હતું જેમાં સવારે નવ વાગ્યા સુધીમાં 9.14 ટકા , 11 વાગ્યા સુધીમાં 23.19 ટકા , એક વાગ્યા સુધીમાં 37.74 ટકા ,ત્રણ વાગ્યા સુધીમાં 47.32 ટકા પાંચ વાગ્યા સુધીમાં 59.11 ટકા અને અંતે 6 વાગ્યા સુધીમાં 63.16 ટકા ટકા મતદાન નોંધાયું છે.આ ઉપરાંત જામનગર તાલુકા પંચાયતની જામવંથલીની બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં 43.95 ટકા મતદાન થયું છે. આમ આજે સમગ્ર જિલ્લામાં મતદાનની પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તમામ ઈવીએમ ને સીલ કરીને સ્ટ્રોંગ રૂૂમમાં પહોંચાડી દેવામાં આવ્યા છે . અને હવે મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.
92 વર્ષીય નિર્મળાબેન વોરાએ વ્હિલ ચેરના સહારે મતદાન કર્યું
કાલાવડ ખાતેના મતદાન મથકે 92 વર્ષીય વયોવૃદ્ધ મહિલા નિર્મળાબેન વોરાએ વ્હિલ ચેરના સહારે મતદાન મથક સુધી પહોંચી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો અને મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.
પહેલા મતદાન, પછી જાન
ધ્રોલના રહેવાસી દિવ્યેશ ગોસાઈએ પણ પોતાની જાનમાં જોડાતા પહેલા વહેલી સવારે જ પોતાના પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી લોકોને પણ અચૂક મતદાન કરવા અનુરોધ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.