સમાજના મેણાં-ટોણાંથી ડરી 56 ટકાની પ્રતિભા ધરબાઇ
સોશિયલ મીડિયામાં ટ્રોલિંગના કારણે વ્યક્તિઓ આત્મહત્યાના પગલા ભરવા મજબૂર
સોશિયલ મીડિયાએ લોકોની અંદર રહેલી અભિવ્યક્તિ અને આવડતની સ્કીલ છીનવી લીધી: જીવવા માટે બાહય દેખાવ જરૂરી હોવાનો 50 ટકાએ સ્વીકાર કર્યા: મનોવિજ્ઞાન ભવને 788 લોકો પર કરાયેલ સરવેમાં ચોકાવનારો સરવે
સોશિયલ મીડિયામાં વિચાર્યા વગર થતીકે કોઈને ટ્રોલ કરતી કોમેન્ટ માનસિક સ્વાસ્થ્ય પણ ઘણી અસરો કરે છે. કહેવાય છે કે સુખ વહેંચવાથી વધે છે , અને દુ:ખ વહેંચવાથી ઘટે છે .મતલબ વહેંચવું બંને કિસ્સામાં ફાયદાકારક છે. પણ શું, ક્યારે, કોની સાથે અને કેટલું વહેંચવું તેનું પ્રમાણ જાળવવું પણ ખૂબ જરૂૂરી હોય છે.
આજના આ આધુનિક ટેકનોલોજીના યુગમાં જ્યારે લોકો પોતાની લાગણીઓ સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરે છે ત્યારે તેના સકારાત્મક ની સાથે ક્યાંક નકારાત્મક પાસાઓને પણ ધ્યાનમાં લેવા પડે છે.જે ટ્રોલિંગના રુપમાં બહાર આવે છે. જેના પરિણામે વ્યક્તિ ચિંતા,હતાશા અને સામાજિક એકલતા નો ભોગ બને છે. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ પંડ્યા ફોરમ અને અઘેડા હિતેશ્રી એ અધ્યાપક ડો. ધારા.આર.દોશી તથા ભવન અધ્યક્ષ ડો.યોગેશ.એ.જોગસણના માગેદશેન હેઠળ 788 લોકોનો સર્વે કર્યો છે.
આ રીપોર્ટમાં દર્શાવ્યા મુજબ ટ્રોલિંગએ લોકોના માનસિક સ્વાસ્થ્યને બહુ મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડી શકે છે.જેના કારણે વ્યક્તિ ઘણી વખત આત્મહત્યા સુધીનાં પગલાં ભરવાં મજબૂર બને છે. ટ્રોલિંગ માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અને ઘણીવાર નકારાત્મક અસર કરે છે. આ અસર ખાસ કરીને ગંભીર બની શકે છે જો વ્યક્તિ પહેલાથી જ કોઈ માનસિક તાણ, ચિંતા અથવા આત્મ-શંકાથી પીડાઈ રહી હોય. અહીં કેટલીક મુખ્ય અસરો જોઈએ જે ટ્રોલિંગને લીધે થઈ શકે સતત નકારાત્મક ટિપ્પણીઓ અને અપમાનજનક સંદેશાઓ વ્યક્તિને તણાવ અને દુ:ખની લાગણી અનુભવી શકે છે, જે લાંબા ગાળે ચિંતા અને હતાશામાં પરિણમી શકે છે. ટ્રોલિંગ વ્યક્તિના આત્મવિશ્વાસને હચમચાવી શકે છે. સતત ટીકા અને નકારાત્મક મૂલ્યાંકનથી વ્યક્તિ પોતાની જાતને ઓછી મૂલ્યવાન સમજવા લાગે છે.
ટ્રોલિંગનો ભોગ બનેલા વ્યક્તિઓ અન્ય લોકો સાથે વાતચીત કરવાનું ટાળી શકે છે, ખાસ કરીને ઓનલાઇન. તેઓ ડરી શકે છે કે ફરીથી તેમનું અપમાન થશે, જેના કારણે તેઓ સામાજિક રીતે અલગ પડી જાય છે અને એકલતા અનુભવે છે. ગંભીર કિસ્સાઓમાં, ટ્રોલિંગ એટલું તીવ્ર હોઈ શકે છે કે વ્યક્તિને આત્મ હત્યાના વિચારો આવી શકે છે અથવા તેઓ પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. સતત તણાવ અને ચિંતાને કારણે વ્યક્તિને ઊંઘવામાં તકલીફ પડી શકે છે. નકારાત્મક વિચારો રાત્રે પણ મગજમાં ફરતા રહે છે, જેનાથી ઊંઘની ગુણવત્તા બગડે છે.માનસિક સ્વાસ્થ્ય પરની નકારાત્મક અસરને કારણે વ્યક્તિને શાળા અથવા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે, જેનાથી તેમની કામગીરી પર અસર પડે છે.
ટૂંકમાં, ટ્રોલિંગ એ માત્ર એક હેરાનગતિ નથી, પરંતુ તે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અને લાંબા ગાળાની નકારાત્મક અસર કરી શકે છે. તેથી, ટ્રોલિંગને ગંભીરતાથી લેવું જોઈએ અને તેનો ભોગ બનેલા લોકોને ટેકો અને મદદ પૂરી પાડવી જોઈએ.
: સરવેના તારણો :
1. 67% લોકો આવું માને છે કે ટ્રોલિંગની અસર અભ્યાસ તથા કારકિર્દી પર થાય છે.
2. 53.1% લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા ગભરાય છે.
3. 50.5% લોકો ટ્રોલિંગ ના ડરે નવા મિત્રો બનાવતા ગભરાય છે.
4. 59% લોકો એ સ્વીકાર્યું છે કે ટ્રોલિંગના કારણે વ્યક્તિના આત્મવિશ્વાસને પણ અસર પહોંચે છે.
5. 55.5% લોકોને પોતાના શારીરિક દેખાવના કારણે ટ્રોલ થવાનો ડર
6. 50.5% લોકોએ એવું માને છે કે રોલ થવાના ડરે બાહ્ય દેખાવમાં પરિવર્તન કરવાના પ્રયત્નો કરવા જોઈએ.
7. 54.3% લોકો એવું સ્વીકારે છે કે ટ્રોલિંગ ના કારણે વ્યક્તિ પોતાની લાગણીઓને વ્યક્ત કરતા ડર અનુભવે છે.
8. 56.4% લોકો સ્વીકારે છે કે લોકો શું કહેશે તેવો ડર તમને લાગ્યા કરે છે.
9. 67% લોકોએ એવું માન્યું છે કે કોઈ દ્વારા કરવામાં આવેલ નિષેધક ટિપ્પણી બાદ બીજી વાર કોઈ પર વિશ્વાસ મૂકી શકાતો નથી.
10. 68.1% લોકોએ એવો સ્વીકાર્યું છે કે ટ્રોલના ડરે ઘણી વખત વ્યક્તિ પોતાના મનની વાત બીજાને કહી શકતો નથી..