For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચંડોળામાં બોગસ કાગળોથી 550 પાસપોર્ટ નીકળ્યા

03:40 PM Jun 10, 2025 IST | Bhumika
ચંડોળામાં બોગસ કાગળોથી 550 પાસપોર્ટ નીકળ્યા

Advertisement

ચંડોળામાં મેગા ડિમોલિશન થકી દબાણો હટાવાયા છે. પોલીસને તપાસ દરમિયાન સંખ્યાબંધ ઘૂસણખોરોએ બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે પાસપોર્ટ કઢાવી લીધા હોવાની વિગતો ખૂલી હતી. ક્રાઇમ બ્રાંચ અને પાસપોર્ટ ઓફિસ દ્વારા હાલ 550 પાસપોર્ટની તપાસ શરૂૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જ ઘણા લોકોએ બોગસ ડોક્યુમેન્ટને આધારે પાસપોર્ટ કઢાવ્યા હોવાનું જણાયું છે. આ ઉપરાંત બોગસ ડોક્યુમેન્ટને આધારે નીકળેલા પાસપોર્ટ પર લોકો વિદેશ પણ પહોંચી ગયા છે. ચંડોળા અને સરદારનગરના એજન્ટો આ કાંડ કરતા હોવાની વિગતોને આધારે અગાઉ આવા ચાર એજન્ટ ઝડપાયા હતા અને વધુ બે એજન્ટને પોલીસે શોધી કાઢ્યા છે.

ચંડોળામાં બે પાર્ટમાં મેગા ડિમોલિશન કરીને ચારેક લાખ ચો.મીટરમાં કરાયેલા દબાણો દૂર કરી હજારો ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. ઘૂસણખોરોને આશરો અને કામધંધો આપનાર લલ્લા બિહારી અને તેના દીકરાની ધરપકડ કરવામાં આવી છે. તેણે રાખેલી ખાસ ટીમ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડોક્યુમેન્ટ તૈયાર કરી આપી પાસપોર્ટ પણ ઇશ્યૂ કરાવી દેતા હતા.

Advertisement

ક્રાઇમ બ્રાંચે હાલ સાડા પાંચસો પાસપોર્ટની તપાસ શરૂૂ કરી છે. ઘણા પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટને આધારે નીકળ્યા હોવાની વિગતો ખૂલી છે. આ પ્રકરણમાં પોલીસ ગંભીરતાથી તપાસ કરે તો ચોક્કસ ઘણી ચોંકાવનારી વિગતો ખૂલે તેવી સંભાવના છે. પોલીસે બે એજન્ટ અને એક મહિલાને ઝડપી લીધી છે. બાંગ્લાદેશી મહિલા બોગસ ડોક્યુમેન્ટને આધારે પાસપોર્ટ કઢાવી વિદેશ પણ જઇ આવી હતી.

પોલીસ અને પાસપોર્ટ ઓફિસે શું ધ્યાન રાખ્યું?
સામાન્ય સંજોગોમાં જો પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ મથકેથી ફોન આવે અને અરજદાર રિસિવ ન કરે તો પણ પોલીસ મથકેથી નેગેટિવ રિપોર્ટ આપી દેવાતો હોય છે ત્યારે ચંડોળાના બોગસ ડોક્યુમેન્ટ સ્થાનિક પોલીસે કેવી રીતે માન્ય રાખ્યા તે પણ તપાસનો વિષય છે. જ્યારે ભારતીય નાગરિકોના તમામ ડોક્યુમેન્ટસ હોય તેમ છતાં તેમને પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં ઠાગાઠૈયા કરતી પાસપોર્ટ ઓફિસે બોગસ ડોક્યુમેન્ટને આધારે કેવી રીતે પાસપોર્ટ ઇશ્યૂ કર્યા તે પણ મોટો સવાલ છે. હાલ તો આ પ્રકરણમાં તપાસ ચાલી રહી છે જેમાં ઘણી વિગતો ખૂલશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement