ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હાઈટેન્શન વીજલાઇનમાં શોક લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુ

11:59 AM May 13, 2025 IST | Bhumika
Advertisement

જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં 135 કેવી ઝેટકોની હાઈ ટેન્શન વીજલાઇન નીચે નિયમો નેવે મૂકીને કરાયેલા એક કારખાનાની અગાસી પર કામ કરી રહેલા 55 વર્ષીય અજયભાઈ નવીનભાઈ ભુવા (પટેલ) ગત મહિને હાઈ ટેન્શન લાઇનના કારણે લાગેલા જોરદાર વીજ કરંટથી ગંભીર રીતે બળી ગયા હતા અને નીચે પટકાયા હતા. છેલ્લા 24 દિવસથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા અજયભાઈનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન દુ:ખદ અવસાન નીપજ્યું છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર, આ કરૂૂણાંતિકા ગત તા. 19-04-2025ના રોજ સવારે આશરે 8 વાગ્યે બની હતી. જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં 135 કેવી ઝેટકોની હાઈ ટેન્શન વીજલાઇન ખુલ્લામાં પસાર થાય છે, જેની નીચે કેટલાક કારખાનાઓ અને અન્ય બાંધકામો જોખમી રીતે આડેધડ ખડકી દેવાયા છે. આવા જ એક કારખાનાની અગાસી પર મૂળ રહેવાસી અને 55 વર્ષીય અજયભાઈ નવીનભાઈ ભુવા કામ કરી રહ્યા હતા.
બનાવના દિવસે કારખાનાના શેઠે અજયભાઈને અગાસી પરથી નીચે દોરડું નાખવા જણાવ્યું હતું. દોરડું નાખતી વખતે તેઓ અગાસી પરથી માત્ર 3 ફૂટના અંતરેથી પસાર થતી 135 કેવી હાઈ ટેન્શન લાઇનના તારની નજીક પહોંચ્યા હતા. હાઈ વોલ્ટેજ લાઇનના ઇન્ડક્શન (ચુંબકીય પ્રેરણ) કે સ્પાર્કને કારણે અચાનક જ અજયભાઈને પ્રચંડ વીજ કરંટ (શોક) લાગ્યો હતો.

ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બેસુદ્ધ અને ગંભીર રીતે ઘવાયેલા અજયભાઈને સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડાયા હતા. તેમની સ્થિતિની ગંભીરતા જોતા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સઘન સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 દિવસથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં તેઓ મૃત્યુ સામે જજૂમી રહ્યા હતા, પરંતુ આજે ઇજાઓ અને વીજ કરંટની ગંભીર અસરને કારણે આજે વહેલી સવારે તેમનું દુ:ખદ અવસાન થયું હતું.
આ સમગ્ર કરૂૂણ ઘટનાના સીસી ટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે અજયભાઈ દુર્ઘટનાનો ભોગ બન્યા.

અજયભાઈના અચાનક અને આઘાતજનક નિધનથી ભુવા પરિવાર અને સમગ્ર પટેલ સમાજ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનાએ શહેરી વિસ્તારોમાં જોખમી હાઈ ટેન્શન વીજ લાઈનો નીચે થતા આડેધડ બાંધકામો અને તેનાથી ઊભા થતા ગંભીર સુરક્ષા જોખમો સામે ફરી એકવાર લાલબત્તી ધરી છે. તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર અને જોખમી બાંધકામો સામે તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.

Tags :
deathgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement