For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અડધો કલાકની આંધીમાં 53 વૃક્ષ, બે હોર્ડિંગ ધરાશાયી

03:40 PM May 23, 2025 IST | Bhumika
અડધો કલાકની આંધીમાં 53 વૃક્ષ  બે હોર્ડિંગ ધરાશાયી

Advertisement

અનેક સ્થળે વૃક્ષો તૂટી પડતાં વીજપૂરવઠો વેર વિખેર, ખોદેલા રસ્તાઓમાં ઠેર ઠેર વાહનો ફસાયા

અડધા શહેરમાં વાવાઝોડા સાથે દોઢ ઈંચ વરસાદથી રસ્તા જળબંબાકાર, અડધામાં ધૂળની ડમરીઓ સાથે 60થી 65 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

Advertisement

અરબી સંમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રભરમાં જોવા મળી હતી. જમાં રાજકોટ શહેરમાં સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સમીસાંજે આકાશ કાળાડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. અને વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે 60થી 65 કિ.મી.ની પવનની ગતિથી વાવાઝોડા સાથે વરસાદ તુટી પડતા ફક્ત 30 મીનીટમાં દોઢ ઈંચથી વધુ પાણી વરસી ગયું હતું. ભારે પવનના કારણે શહેરમાં અલગ અલગ સ્થળે 53 વૃક્ષો તેમજ બે તોતીંગ હોર્ડિંશગ બોર્ડ ધરાશાયી થયા હતાં. તેમજ કોઠારિયા, રેસકોર્સ, સાધુવાસવાણી રોડ, માર્કેટીંગ યાર્ડ સહિતના સ્થળોએ પણ પવનના કારણે ઝાડની ડાળીઓ તેમજ અનેક મકાનોના પતરાઓ ઉડ્યા હતાં તેમજ નિચાણવાળા વિસ્તારો તેમજ 150 ફૂટ રીંગ રોડ ઉપર મવડી, રાધે હોટલ, રામાપીર ચોકડી સહિતના સર્કલો જળબંબાકાર થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રાજકોટમાં સમીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અડધીથી પોણી કલાક માટે 65થી 70 કિલોમિટરની ઝડપે મિનિ વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં બે હોર્ડિંગ્ઝ અને 30થી વધુ ઝાડ જમીનદોસ્ત થઈ ગયા હતા. સદભાગ્યે જાનહાનિ થઈ ન હતી. મનપાએ હજુ થોડા સમય પૂર્વે જ તમામ એડ એજન્સીઓને ભાડે રાખેલા અને ખાનગી તમામ હોર્ડિંગ્ઝનો સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે કરાવેલો સ્ટેબિલિટી રિપોર્ટ માગ્યો હતો. જે આવે તે પહેલાં જ એજન્સીઓના હોર્ડિંગ્ઝ નાગરિકો માટે કેટલા જોખમી છે તેની પોલ ખૂલી ગઇ હતી. વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડતા મનપાના ચોપડે ત્રણથી આઠ મીમી વરસાદ નોંધાયો હતો. જો કે, પશ્ચિમના કેટલાક વિસ્તારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

રાજકોટ મનપાના ફાયર શાખાના સૂત્રોએ જણાવ્યા અનુસાર શહેરમાં સમીસાંજે મિનિ વાવાઝોડું ફૂંકાયું હતું. ચક્રાવાતની જેમ ફૂંકાયેલા વાવાઝોડાની તીવ્રતાને કારણે કિસાનપરા ચોક અને જાગનાથ-41માં બે હોર્ડિંગ્ઝ ધરાશાયી થઈ ગયા હતા. તેમજ સાધુ વાસવાણી રોડ પર શિલ્પન ટાવરવાળી શેરી, કોઠારિયા રોડ પર મેહુલનગર-3, 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે, લીમડા ચોક, માર્કેટીંગ યાર્ડ, રેસકોર્સ સહિત 53થી વધુ સ્થળે ઝાડ ધરાશાયી થતાં ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ઝાડની ડાળીઓ અને વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શહેરમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે કિસાનપરા ચોકમાં હોર્ડિંગ્ઝ રોડ પર જ ધડાકાભેર પડતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ ન હતી. હોર્ડિંગ્ઝ ધરાશાયી થઈ રસ્તા પર પડતાં વાહનચાલકોને નીકળવું મુશ્કેલ થઇ પડ્યું હતું. આથી પોલીસના જવાનો અને લોકોએ હોર્ડિંગ્ઝને સાઇડમાં ખસેડી રસ્તા પર ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જાગનાથ-41માં પણ હોર્ડિંગ્ઝ સહિત બે હોર્ડિંગસ પડી ગયા હતાં. પરંતુ ભારે વરસાદ અને પવનના કારણે લોકોની અવર જવર ન હોવાથી જાનહાની ટળી હતી. જ્યારે પાણી ભરાવાની અનેક ફરિયાદો ઉઠતા મનપાની પ્રીમોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.
રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે ભારે પવન ફૂંકાવાનો શરૂ થતાં મીની વાવાઝોડાએ સ્વરૂપ પકડ્યુ હતું અને સાથો સાથ સુપડાધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. પરંતુ આ વરસાદ અને વાવાઝોડાની અસર અડધા રાજકોટમાં ન હોવાનું જાણવા મળેલ છે.

ગઈકાલે કાલાવડ રોડથી ગોંડલ ચોકડી સાઈડ તેમજ આજીડેમ વિસ્તારોમાં ફક્ત 30 મીનીટમાં દોઢ ઈંચથી વધુ પાણી વરસી ગયું હતું. છતાં ફાયર બ્રિગેડમાં વરસાદની નોંધ માત્ર 8 મીમી સુધી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આથી હવામાન વિભાગ દ્વારા જારી કરેલા આંકડા મુજબ ગઈકાલે અડધા રાજકોટમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો અને હજુ પણ વરસાદની આગાહી હોય આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જીજ્ઞેશદાદાની કથાનો સમિયાણો તૂટી પડતાં કથાનું સ્વામિ. મંદિરમાં સ્થળાંતર
રાજકોટના માલીયાસણ ગામે કથાકાર જીગ્નેશ દાદાની કથામા કમોસમી વરસાદે કથામાં ભંગ પાડ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે જીગ્નેશ દાદાની કથામાં ભારે નુકસાન પહોંચ્યું છે. કથામાં બેસવા માટે બાંધવામાં આવેલો ડોમ બેસી ગયો છે અને પડદા પણ ફાટી ગયા છે. જો કે રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઘાયલ થયું નથી. આયોજકોએ તાબડતોબ આ કથાનું ભૂપેન્દ્રરોડ સ્વામિનારાયણ મંદિરમાં સ્થળાંતર કર્યુ હતુ અને કથાનો સમય સવારના બદલે બપોરે 3.30 વાગ્યાનો કર્યો હતો. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ મોકૂફ રાખેલ છે. રાજકોટના માલીયાણસ ગામે ગઇકાલે જીગ્નેશ દાદાની કથાનો બીજો દિવસ હતો, બુધવારથી કથાનો પ્રારંભ થયો હતોે. ત્યારે ગઇકાલે સાંજે અચાનક જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂૂ થતાં ડોમ બેસી ગયો, ત્યારે લોકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. અને કોઈ દુર્ઘટના પણ બની નથી.

રાજકોટ ગ્રામ્યમાં પીજીવીસીએલના 100થી વધુ થાંભલા ધરાશાયી થયા
ગઈકાલે સાંજે ભારે પવન સાથે વરસાદને લીધે રાજકોટ શહેરની નજીકમાં વાવડી, ખોખળદડ, લોઠડા, રોણકી, રામનગર સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલના થાંભલાઓમાં ભારે નુક્શાન થયું હતું. અંદાજે 100થી વધુ થાંભલાઓ ધરાશાયી થયા હતાં જેના કારણે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી ત્વરીત વીજ પુરવઠો પુર્વવત કરવા પ્રયત્ન ચાલુ કરાયા હતાં.

બાલાજી હોલ નજીક ઝાડ પડતા બાઇકચાલક ઘવાયો
શહેરમાં ગઇકાલે ભારે પવન સાથે વરસાદ ખાબકયો હતો. વાવાઝોડામાં બાલાજી હોલ પાસે ખીજડાવાળા રોડ ઉપર તોતીંગ ઝાડ ધરાશાઇ થતા ત્યાથી પસાર થઇ રહેલા બાઇક ચાલક અશોકભાઇ અવદેશભાઇ ઝા (ઉ.વ.49, રહે. વિશ્ર્વનગર-3 મવડી મેઇન રોડ) ઝાડ નીચે દટાયા હતા. આધેડને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આધેડ કંપનીમાંથી છૂટી સાંજના છ એક વાગ્યાના અરસામાં ઘરે જતા હતા. ત્યારે ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement