તરણેતરમાં મહાદેવને 52 ગજની ધ્વજા ચડાવાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી. સૌ પ્રથમ સંતો-મહંતો દ્વારા ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું. તરણેતરની પરંપરા મુજબ વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી. આંટાળી પાઘડી અને રંગબેરંગી કેડિયું-ચોરણીમાં સજ્જ પુરુષો તેમજ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓ રાસ રમતા-રમતા શોભાયાત્રામાં જોડાયા. અનેક લોકોએ તરણેતરની ઓળખ સમાન મોરલાવાળી છત્રી સાથે શોભાયાત્રામાં ભાગ લીધો.
મંદિર ખાતે શોભાયાત્રા પહોંચ્યા બાદ મુખ્ય પૂજારીએ પૂજાવિધિ કરાવી. ત્યારબાદ મહાદેવ ત્રિનેત્રેશ્વરના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા, પાળીયાદના ભયલુ બાપુ અને અગ્રણી રામકુભાઈ ખાચર ઉપસ્થિત રહ્યા.
ઋષિ પંચમીના દિવસે રાજ્યના જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કર્યા. બંને મંત્રીઓએ મહાદેવનું ભાવપૂર્વક પૂજન-અર્ચન, અભિષેક અને આરતી કરી રાજ્યની પ્રગતિ અને પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી. મંત્રીઓએ ગુપ્ત ગંગાજીના પવિત્ર જળને મસ્તક પર ચઢાવ્યું અને ભાવપૂર્વક નમન કર્યું. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધારાસભ્ય પી.કે.પરમાર સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા.