કચરાપેટી નહી હોય અને જાહેરમાં ગંદકી કરશો તો હવે 5000નો ચાંદલો
રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. છતાં લોકો દ્વારા શહેરમાં ગંદકી ફેલાવવાનું કૃત્ય કરાતું હોવાનું મનપાએ અલગ અલગ નિયમો હેઠળ દંડની કાર્યવાહી કરાતી હોય છે. છતાં લોકો ન સુધરતા હવે ગંદકી સબબા તમામ નિયમોમાં ભારે દંડની જોગવાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં ખાસ કરીને કચરાપેટી ન હોય તેમજ જાહેરમાં ગંદકી કરીવ સહિતના દંડમાં અનેકગણો વધારો ઝીંકવાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મુકવામાં આવી છે. જે મંજુર કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે લોકોને સહકાર જરૂરી બને છે. છતાં અમુક બે ફિકરાઓ દ્વારા શહેરને ગંદુ કરવામાં આવી રહ્યું છે. આથી પર્યાવરણ વિભાગ દ્વારા આ પ્રકારના લોકો પાસેથી દંડ વસુલાય છે.પરંતુ દંડની રકમ મામુલી હોવાથી લોકો સુધરતા નથી પરિણામે હવે તમામ પ્રકારના સ્વચ્છતા અંગેને દંડમાં વધારો કરવામા આવશે. જેમાં કચરાપેટીની બહાર કચરો નાખતા પકડાશે તો રૂા. 500થી રૂા. 5000, દુકાન યુનિટની બહાર ગંદકી હશે તો રૂા. 500થી રૂા. 2000, કચરા પેટી ન રાખવા બદલ રૂા. 50થી રૂા. 2000 વાડી વગેરેમાં એઠવાડ કચરાપેટી કે જાહેર જગ્યામાં નાખવા બદલ રૂા. 3 હજારથી રૂા. 10 હજાર ઉદ્યોગમાં કચરાપેટી ન રાખવા બદલ રૂા. 500થી 5000, લેબોરેટરી વગેરેમાં કચરા પેટી ન રાખવા બદલ રૂા. 500થી રૂા. 5000, હોસ્પિટલો દવાખાનાઓમાં કચરાપેટી ન રાખવા બદલ રૂા. 2000થી રૂા. 5000 હોસ્પિટલો દ્વારા બાયોમેડીકલ વેસ્ટ મનપાની કચરા પેટીમાં નાખવા બદલ રૂા. 15 હજારથી રૂા. 25 હજાર જાહેરમાં કચરો સળગાવવા બદલ રૂા. 500થી રૂા. 1500, બિલ્ડીંગ મટીરીયલ કે વેસ્ટ ખાલી પ્લોટમાં ઠલવવા બદલ રૂા. 4000થી રૂા. 10,000, બિલ્ડીંગ મટીરિયલ વેસ્ટ રસ્તા ઉપર વેરાતુ હોય કે ઉડતુ હોય ત્યારે વાહન ચાલકને રૂા. 1500થી રૂા. 2500 અને પતિબંધીત પ્લાસ્ટિક અથવા ખાદ્યસામગ્રી તેમજ બેગનો ઉપયોગ કરતા હોય ત્યારે પ્લાસ્ટિક બાયોલોજ મુજબ દંડ વસુલવામાં આવશે. મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જાહેરમાં કચરો સળગાવવામાં આવશે ત્યારે તેની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરાશે તેવી જ રીતે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ તેમજ ઉપયોગ કરવો અને કોઈપણ મિલ્કતની દિવાલો ઉપર પોસ્ટર લગાવવા તેમજ જાહેર રસ્તા ઉપર ઘાસચાલો ફેંકવો અથવા ઘાંસચારો વેચવા સહિતના નિયમોમાં ફેરફાર કરી હવે રૂા. 500થી રૂા. 25 હજારનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ તમામ દંડ વધારાની દરખાસ્ત કાલની સ્ટેન્ડિંગમાં મંજુર કરવામાં આવશે.