અમદાવાદમાં દેશ વિરોધી પ્રવૃત્તિની શંકાએ 500 પાસપોર્ટધારકોની તપાસ
બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ મેળવી લેનાર બાંગ્લાદેશીઓની માહિતી મેળવતી ક્રાઇમ બ્રાંચ
પાકિસ્તાની કનેકશન ધરાવતી મહિલાની તપાસમાં ચોકાવનારી વિગતો મળી, મોટુ રેકેટ બહાર આવવાની શકયતા
અમદાવાદનાં બાંગ્લાદેશી ઘુસણખોરોને દેશ નિકાલની કાર્યવાહીમા ક્રાઇમ બ્રાંચની તપાસમા અમદાવાદમા બોગસ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવી લીધાનુ રેકેટ સામે આવ્યુ છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પ00 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ ધારકોની તપાસ શરુ કરી છે. આ પ00 પાસપોર્ટમા બાંગ્લાદેશ અને પાકિસ્તાનનુ કનેકશન હોવાનુ સામે આવ્યુ છે. અમદાવાદમા રહેતી એક બાંગ્લાદેશી મહીલાએ એજન્ટ સાથે ગોઠવણ કરી પાસપોર્ટ મેળવી દુબઇ અને બાંગ્લાદેશમા મુસાફરી કરી હોવાનુ અને દેશ વિરોધી પ્રવૃતિમા તેની સંડોવણી હોવાની શંકાએ તપાસ શરૂ કરી છે.
પોલીસ કસ્ટડીમાં રહેલી બાંગ્લાદેશી મહિલાના પાકિસ્તાન કનેકશન ની તપાસ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, ક્રાઈમ બ્રાંચે બોગસ દસ્તાવેજો તૈયાર કરાવી આપી પાસપોર્ટ કચેરીમાં ગોઠવણ ધરાવનારા આંતરરાજ્ય એજન્ટોની ઓળખ કરી લીધી છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ઘટસ્ફોટ કરશે.છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચંડોળા તળાવ માં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ચલાવી રહી હતી. બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમના પરિવારે ભારતના પાસપોર્ટ બનાવી લીધા હોવાની કિસ્સા ભૂતકાળમાં અનેક વખત સામે આવી ચૂક્યાં છે.
આ જ કારણે ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીએ કોવિડ મહામારી બાદ અમદાવાદ શહેરના સરનામે નીકળેલા શંકાસ્પદ પાસપોર્ટની ખાનગી રાહે તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન 500 જેટલાં શંકાસ્પદ ભારતીય પાસપોર્ટ ની માહિતી સામે આવી છે. અમદાવાદના જુદાજુદા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા 500 જેટલાં લોકોની પાસપોર્ટ અરજી બાદ પોલીસ તપાસમાં વાંધો કેમ આવ્યો હતો ? પાસપોર્ટ અરજદાર મૂળ ભારતીય નાગરિક છે કે નહીં ? આવી બાબતોને લઈને તપાસ શરૂૂ કરાઈ છે. જેમાં કેટલાંક બાંગ્લાદેશી ઘૂસણખોરોએ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં નામ બદલી નાંખી પાસપોર્ટ મેળવી લીધા છે.
ક્રાઇમ બ્રાંચની ની તપાસમાં સૌ પ્રથમ ઝોયા રાજપૂતના એક શંકાસ્પદ ભારતીય પાસપોર્ટ ની માહિતી મળી હતી. અમદાવાદના નારોલ વિસ્તારમાં હાલ પતિ અને આઠેક મહિનાના સંતાન સાથે રહેતી ઝોયાની પોલીસે પૂછપરછ તપાસ કરતા ચોંકાવનારી હકિકતો સામે આવી છે. મૂળ બાંગ્લાદેશની ઢાકા ના નારાયણગંજની રહીશ ઝરના શેખ વર્ષ 2014માં ઘૂસણખોરી કરી ભારતમાં પ્રવેશી હતી. ત્રણેક વર્ષ મુંબઈ-અમદાવાદની વચ્ચે અવરજવર કરનારી ઝોયા વર્ષ 2016માં અમદાવાદના નારોલ વિસ્તારમાં ભાડાનું મકાન રાખીને રહેવા લાગી હતી. મર્હુમ યુનુસ નામના એક શખ્સ થકી તેણીએ વર્ષો અગાઉ આધારકાર્ડ કઢાવ્યું હતું તેમજ અન્ય એક શખ્સ થકી ઉત્તરપ્રદેશ ખાતેથી 60 હજાર રૂૂપિયામાં જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું. વર્ષ 2018માં ઝોયાએ અમદાવાદ આરપીઓ ખાતે પાસપોર્ટ માટે ઑનલાઈન અરજી કરી હતી. નારોલ વિસ્તારના સરનામે રહેતી ઝોયાને પાસપોર્ટ આપવામાં વાંધો હોવાનો ત્રણ-ત્રણ વખત સ્થાનિક પોલીસે રહેઠાણ બાબતે રિપોર્ટ કર્યો હતો.
આમ છતા પાસપોર્ટ વિભાગે ભાડા કરારના આધારે ઝોયા રાજપૂતને પાસપોર્ટ આપ્યો .પાસપોર્ટ મળતાની સાથે જ ઝોયા રાજપૂતે દક્ષિણ પૂર્વના દેશ, સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશની અનેક વખત મુસાફરી કરી છે. પાસપોર્ટ મેળવવા માટે તેણીએ આપેલો મોબાઈલ નંબર અન્ય નામથી રજીસ્ટર્ડ છે. વર્ષ 2017થી 2021 દરમિયાન તેણીએ 6 વખત ગુજરાત તથા મહારાષ્ટ્રનું સરનામું બદલવામાં આવી ચૂક્યું છે. આ ઉપરાંત તેના ઇ મેઇલ ની તપાસ કરતાં તે પ્રથમ વખત પાકિસ્તાનથી એક્ટિવેટ થયું હતું. જ્યારે ઝોયાના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ બાંગ્લાદેશ ખાતેથી એકટિવ થયેલા હોવાનું સામે આવ્યું છે. ઝોયાના ઘરની તલાશી લેતા પોલીસને ત્યાંથી બાંગ્લાદેશી ચલણી નોટો પણ મળી આવી છે.
દુબઇથી ઝોયાના ખાતામા 50 લાખ રૂપિયા જમા કોણે કરાવ્યા ?
ઝોયા રાજપુતના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને પાકિસ્તાન કનેકશન હાથ લાગ્યું છે. UAE સહિતના દેશોમાં ભારતીય પાસપોર્ટ આધારે પ્રવાસ કરી આવેલી બાંગ્લાદેશી મહિલા ઝરના ઉર્ફે ઝોયાના UAE સ્થિત બેંક એકાઉન્ટમાં બે-ત્રણ ટ્રાન્ઝેક્શન થકી 50 લાખ રૂૂપિયા જેટલી રકમ જમા થઈ છે. આ રકમ દુબઈ સ્થિત એક કંપનીમાંથી ઝોયાના બેંક એકાઉન્ટમાં આવી છે. જે કંપનીમાંથી લાખો રૂૂપિયા ઝોયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે તેના કર્તાહર્તા પાકિસ્તાનના છે. પૂછપરછ દરમિયાન ઝોયા લાખો રૂૂપિયા તેના બાંગ્લાદેશ ખાતે રહેતા ભાઈએ મોકલ્યા હોવાનું રટણ કરી રહી છે.