રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સના કલાર્કને 500ની લાંચ લેવી ભારે પડી: ત્રણ વર્ષની જેલ અને 15 હજારનો દંડ
રાજકોટમાં બહુમાળી ભવન ખાતે રજીસ્ટ્રાર ઓફ ફર્મ્સના ક્લાર્કએ પેઢીની નોંધણી માટે લીધેલી રૂૂ.500ની લાંચના ગુનામાં ખાસ અદાલતે આરોપી કલાર્કને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂૂ.15 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં બહુમાળી ભવન ખાતે આવેલી રજીસ્ટ્રાર ઓફ ફર્મસની ઓફિસમાં વર્ષ 2010માં ભાગીદારી પેઢીનું નામ રજીસ્ટર કરાવવા માટે ફરિયાદી દ્વારા અરજી કરવામાં આવી હતી ત્યારે રજીસ્ટ્રાર ઓફ ફર્મસના ક્લાર્ક ઘનશ્યામભાઈ કાંતિભાઈ પંડ્યાએ રૂૂ.500ની લાંચ આપવામાં નહીં આવે ત્યાં સુધી અરજીનો નિકાલ નહીં થાય તેવું કહી રૂૂ.500 ની લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચ દેવા માંગતા ન હોવાથી તેણે એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચની ફરિયાદ આપી હતી જાણ થતા જ એસીબી પોલીસે ટ્રેપ ગોઠવી હતી જેમાં ક્લાર્ક ઘનશ્યામભાઈ પંડ્યા રૂૂ.500 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
પોલીસે ક્લાર્ક ઘનશ્યામભાઈ પંડયા વિરુદ્ધ ગુનો દાખલ કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસ ચાલવા ઉપર આવતા આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે ફરિયાદીએ આરોપી ઘનશ્યામભાઈ પંડ્યાના પત્ની પાસેથી રૂૂ.500 ઉછીના લીધા હતા તે પૈસા આરોપીને ફરિયાદી પરત આવવા આવ્યા હતા અને તે લાંચની રકમ નહોતી. જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરાએ રજૂઆત કરી હતી કે આરોપીના પત્નીએ રૂૂ.500 ફરિયાદીને ઉછીના આપેલા હતા તે સાબિત કરવા માટે આરોપી કે તેમના પત્નીએ સોગંધ ઉપર જુબાની આપેલ નથી. આ ઉપરાંત ફરિયાદી ટ્રેપના દિવસ પહેલા આરોપીના પત્નીને ઓળખતા હતા તેવી હકીકત આરોપીએ જણાવેલ નથી સહિતની રજૂઆતોને ધ્યાને લઈ ખાસ અદાલતના જજ બી.બી. જાદવે રૂૂ.500ની લાંચના ગુનામાં રજીસ્ટ્રાર ઓફ ફર્મસ ના ક્લાર્ક ઘનશ્યામ પંડ્યાને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂૂ.15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.