ઉત્તરાખંડમાં 50 ગુજરાતી ફસાયા, જીવ બચાવવા 10 કિ.મી. ચાલ્યા
તમામ રસ્તાઓ બંધ, હોટલ ભાડામાં ભારે વધારો, વહીવટી તંત્ર તરફથી કોઇ જ મદદ મળતી નથી
ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટવાને કારણે પહાડો પરથી માટી અને પથ્થરો ધસી પડ્યા, જેનાથી રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી સહિતના તમામ મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ આફતમાં 50 થી વધુ ગુજરાતી પ્રવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ફસાયા છે, જેમની અવરજવર વાહનો બંધ થઈ જવાથી સંપૂર્ણપણે અટકી ગઈ છે.
ફસાયેલા પ્રવાસીઓને જીવ બચાવવા માટે પોતાનો સામાન લઈને લગભગ 10 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડી રહ્યું છે. પ્રવાસીઓના જણાવ્યા મુજબ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે વહીવટીતંત્ર તરફથી તેમને કોઈ મદદ મળી રહી નથી, જેના કારણે મુશ્કેલી વધી છે. આ કપરી પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક હોટેલ માલિકોએ ભાડામાં ભારે વધારો કરી દીધો છે, જેનાથી પ્રવાસીઓની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.
આ કુદરતી આફતને કારણે રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફથી દેહરાદૂન જતાં તમામ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. માટી અને પથ્થરો ધસી પડવાને કારણે વાહનોની અવરજવર થંભી ગઈ છે. જે પ્રવાસીઓએ ટેક્સી બુક કરાવી હતી તેમને પણ રસ્તામાં જ અટકાવી દેવાયા છે. ત્યાં અટવાયેલા ગુજરાતના એક પ્રવાસીના અહેવાલ મુજબ, લોકો લગભગ 10 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવા મજબૂર બન્યા છે. રસ્તા પર ઠેર ઠેર માટી અને કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થળોએ સ્થાનિક લોકો ઉંઈઇની મદદથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ સામાન્ય થવામાં હજુ સમય લાગશે તેવું લાગી રહ્યું છે.
ફસાયેલા પ્રવાસીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે. પ્રવાસીઓના કહેવા મુજબ વહીવટીતંત્ર તરફથી કોઈ પણ પ્રકારની મદદ મળી રહી નથી. સરકારી વાહનો કે બસો પણ રસ્તા પરથી પસાર થઈ શકતી નથી, જેના કારણે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ કપરી પરિસ્થિતિનો લાભ લઈને હોટેલ માલિકોએ પણ પોતાના ભાડામાં અસામાન્ય વધારો કરી દીધો છે, જે પ્રવાસીઓની પરેશાનીમાં વધુ વધારો કરી રહ્યો છે. ગુજરાતી પ્રવાસીઓએ તાત્કાલિક મદદ માટે રાજ્ય સરકાર અને વહીવટીતંત્રને અપીલ કરી છે કે તેઓ અટવાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની તાત્કાલિક વ્યવસ્થા કરે.