For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાશ્મીરમાં ભૂસ્ખલનમાં 50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા

01:20 PM Apr 21, 2025 IST | Bhumika
કાશ્મીરમાં ભૂસ્ખલનમાં 50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા

Advertisement

અચાનક ભારે વરસાદ તૂટી પડતા ભેખડો ધસી પડી, પાંચેક હજાર પ્રવાસીઓ અટવાયા હોવાના અહેવાલ, સરકાર એલર્ટ

જમ્મુના શ્રીનગર રોડ પર આવેલ રામબન વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભેખડો ધસી પડતા ત્રણ યાત્રિકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક પ્રવાસીઓ ફસાઈ ગયા છે. તેમાં પાંચ હજારથી વધુ ગુજરાતી પ્રવાસીઓ પણ ફસાયા હોવાના અહેવાલો મળે છે. જો કે, તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું અને તેમની રહેવા-જમવા સહિતની વ્યવસ્થા કરવમાં આવી રહી હોવાનું સરકાર દ્વારા જાહેર કરાયું છે.

Advertisement

જો કે, પ્રવાસીઓએ રહેવાની પુરતી વ્યવસ્થા ન હોવાની અને પાણી તથા બિસ્કીટસિવાય કંઈ મળતુ ન હોવાની ફરિયાદો કરી હતી ભારે ઠંડીના કારણે બાળકો અને વૃદ્ધોની હાલત ખરાબ હોવાનું જણાવ્યું હતું.
જમ્મુ અને કશ્મીરના રામબન જિલ્લામાં ભુસ્ખલન અને ખરાબ વાતાવરણના કારણે ગુજરાતના 50 જેટલા પ્રવાસીઓ ફસાયા છે. આ પ્રવાસીઓમાં ગાંધીનગરના 30 અને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના 20 લોકોનો સમાવેશ થાય છે. તેઓ શ્રીનગરથી બસમાં પરત ગુજરાત આવી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે 14 ઉપર રામબન જિલ્લામાં ફસાઈ ગયા હતા. પાલનપુરના પ્રવાસીઓ ફસાતા તેમણે તાત્કાલિક બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલનો સંપર્ક કર્યો હતો.
બનાસકાંઠા કલેક્ટરના સંપર્ક બાદ રામબન જિલ્લાના કલેક્ટરે તાત્કાલિક બચાવ ટુકડીને ઘટના સ્થળે રવાના કરી હતી. જોકે, હાલ ત્યાંના રસ્તાઓ તૂટેલા હોવાથી અને વાતાવરણ અત્યંત ખરાબ હોવાથી મોડી રાત સુધીમાં તેમને કોઈ સુરક્ષિત ઇમારતમાં આશ્રય આપવામાં આવશે અને પરિસ્થિતિ જોઈને બસને બનિહાલ તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે.

રવિવારે જમ્મુ-શ્રીનગર રોડ પર ભારે વરસાદને કારણે અનેક ટ્રકો ભેખડો વચ્ચે ફસાતા ઘટના સ્થળે જ ત્રણ જણના મોત નીપજ્યા છે. ભારે વરસાદને કારણે પૂર આવવાથી જમ્મુથી શ્રીનગર જતાં વચ્ચે આવેલા રામબન-બનિહાલ હાઈવે પર ભેખડો ધસી પડતા અનેક ટ્રકો ફસાયા હતા અને કેટલાંક વાહનો ખીણમાં પડ્યા હોવાની માહિતી મળી છે. જેના કારણે આ રુટ પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો છે. કાશમીર પોલીસે જમ્મુથી આવતા લોકોને તાત્કાલિક ધોરણે પાછા વળવાની સુચના આપી હતી તો શ્રીનગરથી આવતા વાહન ચાલકોને પાછા શ્રીનગર કે નજીકના સેન્ટરમાં રહી જવાની સૂચના અપાતા પાંચેક હજાર આ પ્રવાસમાં ફસાયા છે.

બીજી તરફ હાલમાં શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામમાં રોકાયેલા પાંચેક હજાર પ્રવાસીઓએ બુક કરાવેલી પોતાની ટિકિટોના શિડ્યૂલમાં ફેરફાર કરીને તાત્કાલિક વળતી ફલાઈટ પકડવાનો વારો આવ્યો છે જેના કારણે હાલમાં શ્રીનગર-દિલ્હી, શ્રીનગર-અમદાવાદ, શ્રીનગર-ચંડીગઢ, શ્રીનગર-અમૃતસર અને જમ્મુ જતી ફ્લાઈટોના ભાડામાં ડબલ કરતાં વધારે ઉછાળો આવ્યો છે. જો કે અત્યારે હવાઈ માર્ગથી કાશ્મીરની યાત્રા યથાવત છે. પરંતુ વાહન કે ટ્રેન દ્વારા જતાં યાત્રિકોને પોતાની યાત્રા સ્થગિત કરવી પડી છે.

આ અંગે અમદાવાદના જાણીતા ટુર ઓપરેટરોએ જણાવ્યું હતું કે અમે સતત ગુજરાતના પ્રવાસીઓના સંપર્કમાં જ છીએ. મોટા ભાગના લોકોને વૈષ્ણોદેવીનો પ્રવાસ કેન્સલ કરવો પડ્યો છે. જે લોકો અત્યારે બનિહાલ કે રામબનમાં ફસાયા છે તેમને નજીકના સ્થળોએ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

મુખ્યમંત્રી-ગૃહમંત્રીએ જરૂરી પગલા ભરવા સુચના આપી
જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી છે. તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે. પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ સેન્ટ્રલ આઈ.બી. સહિત જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી ગુજરાતના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement