મજૂરી ખર્ચ માથે પડતાં 50 વિઘાની ડુંગળી મફત આપી દીધી
ખેતરમાં આવી લોકો જોઇએ તેટલી ડુંગળી મફત ભરી જાય, બોટાદના ખેડૂતની અનોખી સ્કીમ
ડુંગળીના ભાવો તળિયે જતાં ખેડૂતોની હાલત દયાજનક
ડુંગળીના ગગડતા ભાવોને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતીમાં કરેલો ખર્ચ પણ ન નીકળતાં બોટાદ જિલ્લાના એક ખેડૂતે અનોખો નિર્ણય લીધો છે. 50 વિઘા જમીનમાં ઉગાડેલી ડુંગળી બજારમાં વેચવાને બદલે તેમણે લોકોને મફત આપવાનું શરૂૂ કર્યું છે. આ વાત વાયુવેગે ફેલાતાં મોટી સંખ્યામાં લોકો ડુંગળી લેવા માટે ખેતરે પહોંચી રહ્યા છે.
બોટાદના વતની અને ખેડૂત મનસુખભાઈ પરમારે જણાવ્યું કે હાલમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો માત્ર રૂૂપિયા 3થી 4 જેટલો જ મળી રહ્યો છે. આ ભાવે ડુંગળી વેચવાથી તેમને વાવેતર અને મજૂરી પાછળ કરેલો ખર્ચ પણ નીકળતો નથી.
મનસુખભાઈએ 50 વિઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, જેમાં તેમને પ્રતિ વિઘે આશરે રૂૂ.25,000 જેટલો ખર્ચ થયો હતો. ડુંગળીના વર્તમાન ભાવ જોતાં તેમને કુલ ખર્ચ પણ વસૂલ કરવો મુશ્કેલ બન્યો છે. નુકસાન વેઠવા કરતાં, તેમણે ડુંગળી મફત આપી દેવાનો નિર્ણય કર્યો, જેથી ઓછામાં ઓછું તે લોકોને ઉપયોગમાં આવી શકે.
ખેડૂત મનસુખભાઈના આ નિર્ણયની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વાસણો લઈને તેમના ખેતરે પહોંચ્યા હતા. લોકો પોતાની જરૂૂરિયાત મુજબ ડુંગળી લઈ રહ્યા છે.
ધોરાજીના વેગડી ગામે 10 વિધા ડુંગળી ઉપર રોટાવેટર ફેરવી દીધું
ધોરાજી પંથકમાં ખેડૂતને ડુંગળીના પુરતા ભાવ ન મળતા અને મજૂરીનો ખર્ચ પણ માથે પડતાંં ખેતરમાં ડુંગળીના ઊભા પાકમાં રોટાવેટર ફેરવી દીધું હતું. તહેવારો પર આવેલા માવઠાને કારણે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયા બાદ હવે ખેત પેદાશોનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે. ધોરાજીના વેગડી ગામ નજીક આવેલા ખેતર ધરાવતા ધોરાજી પંથકનાં ખેડૂતે છ વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ જે ડુંગળીનો પાક પેદાશ પર આવી જતાં મજૂરી જેટલાં પણ પૈસા ન મળતા હોવાથી ખેડૂતે ભારે હૈયે પોતાની ડુંગળીના મોલ પર રોટવેટર ચલાવી ખેતર સાફ કરી નાખ્યું હતું.