ગુજરાતથી 5 હજાર કરોડનું ડ્રગ્સ દેશભરમાં સપ્લાય કરવાનું નેટવર્ક
દિલ્હીની સ્પેશિયલ સેલ અને ગુજરાત પોલીસનું અંકલેશ્વર જીઆઇડીસીમાં સંયુક્ત ઓપરેશન
આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીના ત્રણ ડિરેક્ટરોની ઘરપકડ
અંકલેશ્વરમાં ગુજરાત અને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વર જીઆઇડીસીમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી 5 હજાર કરોડનું 518 કિલો કોકેઈન મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કોકેઇનની કિંમત 5 હજાર કરોડ થાય છે.
પોલીસે આ મામલે આવકાર પ્રાઈવે લિમિટેડ કંપનીના ત્રણ ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોથિયા, વિજય ભેસાણીયાની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ ગુજરાતથી દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં મોકલવાની પણ તૈયારી હતી આ મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, દિલ્હીની કંપનીએ 518 કિલો કોકેઈન ઓર્ડર આપીને બનાવડાવ્યું હતું. આ કોકેઇન દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબમાં લઈ જવાનું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ડ્રગ્સ સપ્લાય કરવાનું હોવાની માહિતી મળી રહી છે.આ કોકેઇન પકડવા માટે ગુપ્ત ઓપરેશન છેલ્લા ઘણા દિવસથી ચાલતું હતું. આ કેસમાં કેટલીક ચોકાવનાર વિગતો સામે આવી છે.
ગત 1 ઓક્ટોબર 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલના વેરહાઉસમાં દરોડા પાડ્યા હતા.આ દરોડા દરમિયાન 562 કિલો કોકેઈન મળી આવ્યું અને 40 કિલોગ્રામ જેટલો હાઈડ્રોપોનિક ગાંજો પણ મળ્યો હતો.
ત્યારબાદ પોલીસની તપાસ બાદ 10 ઓક્ટોબરે દિલ્હીમાં રમેશનગરની દુકાનમાંથી 208 કિલો કોકેઈન જપ્ત કરાયું હતું. દિલ્હી પોલીસે કરેલી ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો અને દિલ્હી પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, આ તમામ માદક દ્રવ્યો ફાર્મા સોલ્યુશન સર્વિસ કંપનીના નામે છે અને અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડમાંથી આ ડ્રગ્સનો જથ્થો મંગાવાયો હતો. ત્યાર બાદ દિલ્હી પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કરી અંકલેશ્વર જીઆઇડીસીમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાં દરોડો પાડી 5 હજાર કરોડનું 518 કિલો કોકેઈન કબજે કર્યું હતું.
અત્યાર સુધી પોલીસે પાડેલા અલગ અલગ દરોડામાં કુલ 1289 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે અને કુલ 40 કિલોગ્રામ જેટલો હાઈડ્રોપોનિક ગાંજો પણ જપ્ત કરાયો છે. ઉલ્લેખનિય છે કે પકડાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 13 હજાર કરોડ રૂૂપિયા છે. આ ડ્રગ્સ ગુજરાતથી દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પહોંચાડવાનું હતું. ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી ડ્રગ્સ મોકલવાની પણ તૈયારી હતી.
કેમિકલની આડમાં કોકેન, ડ્રગ્સ માફિયાઓનો નવો કારસો
અંકલેશ્વરની આવકાર કંપનીમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ પકડાતા ખળભળાટ મચી ગયો છે. કંપનીમાં દવાઓ બનાવવા કેમિકલનો ઉપયોગ કરાયો હતો. ડ્રગ્સ માફિયાઓનો નવો કારસો જોવા મળ્યો છે કારણ કે દિલ્હીની કંપનીએ કેમિકલ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. માફિયાઓ નાની કંપનીઓમાં ઓર્ડર આપીને ડ્રગ્સ બનાવડાવે છે. હવે એ દિશામાં તપાસ કરાઇ રહી છે કે આવકાર કંપનીને ડ્રગ્સ બનાવવાના અન્ય ઓર્ડર મળ્યા છે કે કેમ ?