મહેશ સવાણીના નામે 5.61 કરોડ પડાવી લેનાર પિતા-પુત્ર ભૂગર્ભમાં
સમાજસેવક સવાણીના વેવાઇ પાસેથી ખોટી વ્યાજ ચિઠ્ઠી બનાવી પૈસા પડાવવાના પ્રકરણમાં એકની ધરપકડ
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશ સવાણીના વેવાઈએ વેડરોડના ફાઇનાન્સર સાથે 33 કરોડમાં મગદલ્લાની જમીનનો સોદો કર્યો હતો. જેમાં દસ્તાવેજ સમયે ફાઇનાન્સર અને તેના પુત્રે મહેશ સવાણીના નામે 5.61 કરોડ લેવાના બાકી છે, એવી ખોટી ચિઠ્ઠી બનાવી વેવાઇ પાસે ઉઘરાણી કરી હતી. વેવાઇની કરોડોની જમીન ઘોંચમાં ન પડે અને સંબંધ ન બગડે તે માટે મહેશ સવાણીએ 5.61 કરોડ ફાઇનાન્સરને આપી મગદલ્લાની જમીનનો દસ્તાવેજ કરાવ્યો હતો જોકે, ખોટી વ્યાજચિઠ્ઠી બાબતે પોલીસ કમિશનરને અરજી કરતાં ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે મહેશ સવાણીની ફરિયાદ લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં મુકેશ સવાણીની ધરપકડ કરી છે જ્યારે ફાઇનાન્સર પિતા-પુત્ર હાલ ફરાર છે.
ભટાર રોડ વિસ્તારમાં આવેલ આશિર્વાદ પેલેસમાં રહેતાં મહેશ વલ્લભાઈ સવાણી (ટોપી) (મુળ રહે, રાણપરડા,તા.પાલીતાણા,જિ.ભાવનગર) એ વેડરોડ ઉપરની લક્ષ્મીવાડી સોસાયટીમાં રહેતાં પ્રવિણ ઉર્ફે પીના શામજીભાઈ ગુજરાતી તેમના પુત્ર ક્રિશ્ના ગુજરાતી અને સુમૂલ ડેરી રોડ પર વિશ્વકૃપા સોસાયટીમાં રહેતા મુકેશ સવાણી વિરુધ્ધ છેતરપિંડી અને નાણા પડાવવા મામલે ફરિયાદ નોંધાવી છે. મગદલ્લાની એક જમીનના દસ્તાવેજ બાબતે પીના ગુજરાતી અને તેનો દીકરો ક્રિષ્ના ગુજરાતીએ 5.61 કરોડ રૂૂપિયાની વધારાની રકમ પડાવી લીધાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે. મહેશ સવાણીએ ગત ઓગસ્ટ મહિનામાં ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી. અરજીની તપાસના અંતે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે .પીના ગુજરાતી જમીન લે-વેચ સાથે સંકળાયેલા વ્યવસાયી છે. જમીન લે-વેચમાં તેમનું નામ ખૂબ જ જાણીતું છે.
મહેશ સવાણીના વેવાઇ જગુભાઈ ખેનીએ 2019માં કઠોદરાની 44 વીંઘા જમીન ધંધાકીય બાકી લેણા બાબતે હીરા વેપારીને વેચાણ આપી હતી. જેમાં હીરાવેપારી પાસેથી વધારાના બાકી લેણા 36 કરોડ નીકળતા હતા. બીજી તરફ હીરા વેપારીએ પીના ગુજરાતી પાસેથી 36 કરોડ લેવાના હતા. આથી, હીરા વેપારીએ મહેશ સવાણીના વેવાઇને પીના ગુજરાતી સાથે મીટીંગ કરાવી મગદલ્લાની 33 કરોડની જમીન જે પીના ગુજરાતીની માલિકીની હતી તેનો સોદો કરાવ્યો હતો. બાકીના 3 કરોડ પીના ગુજરાતીએ લાલાભાઈ તમને આપી દેશે, એમ કહી જવાબદારી લઈ ડાયરીમાં પીનાએ લખાણ સાથે સહી કરી હતી. આથી હીરા વેપારીનો બાકી હિસાબ 36 કરોડનો પૂર્ણ થયો હતો.
2020માં જગુભાઈ ખેનીએ મગદલ્લાની જમીનનો દસ્તાવેજ કરાવવા વાત કરતાં પીના ગુજરાતીએ તેમને એક ચિઠ્ઠીની ઝેરોક્ષ બતાવી હતી. જેમાં મહેશ સવાણીએ રાજુ દેસાઈને 4 કરોડ દોઢ ટકા વ્યાજે આપેલા છે. જે વ્યાજ સહિત 5.61 કરોડ રાજુ દેસાઈ પાસેથી મહેશ સવાણીએ લેવાના નીકળે છે.
પીના ગુજરાતીએ જગુભાઇને કહ્યું કે, મારે રાજુ દેસાઈ પાસેથી 5.61 કરોડ લેવાના છે. જે તમે મને આપશો તો હું તમને જુનો સર્વે નંબર-41 પૈકી 1 અને નવો સર્વે નંબર-30 પૈકી 2 વાળી આશરે 1026.67 ચો.મી. તથા 728.90 ચો.મી. જમીન છે તેનો દસ્તાવેજ બનાવી આપીશ. આ વાત જગુભાઇએ કરતાં મહેશ સવાણીએ કહ્યું કે, હું કોઈ રાજુ દેસાઈને ઓળખતો નથી અને મારે કોઈ લેવડદેવડ નથી. ચિઠ્ઠીની ઝેરોક્ષમાં મહેશ સવાણીની સહી બોગસ હતી અને દોઢ ટકા લેખે 4 કરોડ રૂૂપિયા રોકડા લીધા છે એવો ઉલ્લેખ કરેલો હતો.