પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં સરવેથી જામજોધપુરનાં 43 ગામો હજુ વંચિત
ગરીબોને ઘરના ઘરના સપના હેઠળ સરકાર કાર્યક્રમો યોજી લાખો રૂૂપિયાનો ખર્ચ કરતી હોવાના આરોપ સાથે ધારાસભ્ય હેમંતભાઈ ખવા એ જણાવ્યું હતું કે જામજોધપુર તાલુકાના 43 ગામોમાં હજુ સુધી એક પણ વખત આ અંગેનો સર્વે કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત લાલપુર જામજોધપુર વિધાનસભા બેઠકના યુવા ધારાસભ્ય હેમંતભાઈ કહ્યું હતું કે હાલ જયારે ચુંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર રોજ નવા નવા તાઈફાઓ કરી પ્રજાના પૈસા વેડફી રહી છે. ત્યારે ગત તા. 10 ફેબ્રુઆરીના રોજ સમગ્ર ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર આવાસ લોકાર્પણ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
તેમજ સરકાર દ્વારા વર્ષ 2024 સુધીમાં દરેકને પોતાનું ઘરનું ઘરનો નારો પણ આપવામાં આવ્યો હતો પરંતુ વાસ્તવિકતા જુદી જ છે, અગાઉ જે સર્વે થયેલ છે તે એસ.ઈ.સી.સી ડેટા 2011 મુજબ થયેલ છે અને વર્ષ-2019 થી એટલેકે છેલ્લા પાંચ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સર્વે જ કરવામાં નથી આવ્યો.
જામનગર જીલ્લામાં ગત તા.10 ફેબુરઆરીના ધ્રોલ,જામનગર અને લાલપુર ખાતે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ ને આવાસ લોકાર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે ખરેખર એક ચુંટણી ઢંઢેરાથી વિશેષ કઈ જ નથી. આ ત્રણ જગ્યા પર યોજાયેલ કાર્યક્રમમાં અંદાજીત 45 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે જામજોધપુર તાલુકાની 69 ગ્રામ પંચાયતો પૈકી-43 ગામો એવા છે કે જ્યાં હજુ સુધી એક પણ વખત સર્વે કરવામાં આવેલ જ નથી, એટલેકે જામજોધપુર તાલુકાના 50 ટકા ઉપરના ગામોમાં હજુ સુધી એક પણ વખત સર્વે થયેલ જ નથી. ઉપરાંત અન્ય ગામોમાં થઇ કુલ લાભાર્થીઓની સંખ્યા-1271 હતી તે પૈકી માત્ર-473 લાભાર્થીઓને વર્ષ 2016 થી 2023 સુધીમાં લાભ મળેલ છે બાકીના અન્યો ને જયારે નવો ટાર્ગેટ આવશે ત્યારે લાભ આપવામાં આવશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે.
લાલપુર તાલુકાની વાત કરીએ તો ત્યાં પણ પરિસ્થિતિ કૈક આવી જ છે.જ્યાં એસ.ઈ.સી.સી ડેટા 2011 મુજબ સર્વે થયેલ લાભાર્થી ની સંખ્યા 1594 છે તેની સામે પાત્રતા ધરાવતા લાભાર્થીની સંખ્યા 104પ છે તેમાંથી હજુ સુધી માત્ર 595 લાભાર્થીઓને જ લાભ આપવામાં આવેલ છે એટલેકે માત્ર 50 ટકા લાભાર્થીઓ ઉપરાંત અન્ય લાભાર્થીઓને ક્યારે લાભ મળશે તે આવનારા વર્ષના ટાર્ગેટ પર આધારિત છે.
જામજોધપુર અને લાલપુર બંને તાલુકાના કુલ મળી 1068 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે ત્યારે તેમના આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં સરકાર બિનજરૂૂરી ખર્ચાઓ કરી તાઈફાઓ કરવામાં વ્યસ્ત છે. જયારે 2024 ની ચુંટણીને હવે 3 મહિના જેટલો સમય પણ રહ્યો નથી ત્યારે સરકાર આ વર્ષમાં દરેક ને પોતાનું ઘરનું ઘર આપી શકે એવા કોઈ એંધાણ દેખાતા નથી.