મોરબીના જુદા જુદા માર્ગો ઉપરથી લારી, ગલ્લા અને પાથરણાના 40 દબાણો દૂર
મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર છેલ્લા વર્ષોમાં આડેધડ લારી, ગલ્લા અને પથારણાના સહિતના દબાણો થઈ ગયા છે અને આ દબાણોના કારણે ટ્રાફિક, ગંદકી સહિતના અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે જેથી કરીને લારી, ગલ્લા અને પથારણાના દબાણ હટાવવા માટે થઈને અવારનવાર ચીફ ઓફિસર થી લઈને કલેક્ટર સુધી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આળસ મરડીને કામગીરી કરવામાં આવતી ન હતી. જોકે મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવી ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે અને તે સહિતના અધિકારીઓ હવે ક્રમશ: મુકાતા જાય છે ત્યારબાદ મોરબીમાં સૌપ્રથમ ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલાય તેના માટે ટ્રાફિક અને ગંદકીના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે લારી, ગલ્લા અને પથારણાના નડતરરૂૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે.
મોરબીમાં આજે નગરપાલિકાની ટીમ દ્વારા રોડ રસ્તા ઉપર થયેલા ટ્રાફિકને નડતરરૂૂપ અને ગંદકી માટે જવાબદાર તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે અંતર્ગત ગાંધીચોક, વિજય ટોકીઝ પાસે, પરાબજાર, પોસ્ટ ઓફિસની આગળના ભાગમાં તથા પાછળના ભાગમાં દબાણને હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારે મહાપાલિકાના કર્મચારીઓ પાસેથી મળતી વિગત પ્રમાણે અંદાજે 40 જેટલા લારી, ગલ્લા અને પથારણાના દબાણને હટાવવામાં આવ્યા છે તેમજ બે કેસિયો પાર્ટીની લારી અને અન્ય ત્રણ લારી આમ કુલ મળીને પાંચ લારીઓને મહાપાલિકાની ટીમ દ્વારા કબજે કરવામાં આવી છે અને આગામી દિવસોમાં મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર તેમજ નગર દરવાજા સહિતના મુખ્ય ચોકની અંદર એક પણ દબાણ ન રહે તે પ્રકારની કામગીરી કરવા માટે કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે જેથી આગામી મકરસંક્રાંતિ સુધીમાં લગભગ મોરબીના મુખ્ય ચોક અને મુખ્ય રસ્તા ઉપરના લારી, ગલ્લા અને પથારણાના દબાણનો દૂર થાય તેવા સંકેતો હાલમાં મળી રહ્યા છે પરંતુ વાસ્તવિક રીતે રોડ રસ્તા અને ચોકના દબાણ કયારે દૂર થશે તે તો આગામી સમય જ બતાવશે.